જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાની ખુરશી જોખમમાં! ચોખાના ભાવને કારણે સર્જાયું રાજકીય સંકટ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાની ખુરશી જોખમમાં! ચોખાના ભાવને કારણે સર્જાયું રાજકીય સંકટ

ટોક્યો: હાલમાં જ જાપાનની સંસદના ઉપલા ગૃહમાં ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશમાં રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. ચૂંટણીમાં સત્તારૂઢ ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે, જેને કારણે જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાને પદ છોડવું પડે એવી શક્યતા છે, કેમકે તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(LDP)ની આગેવાની હેઠળના ગઠબંધને સંસદના ઉપલા ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે, જ્યારે જાપાનની દક્ષિણપંથી પોપ્યુલિસ્ટ પાર્ટીની સ્થિતિ મજબુત થઇ છે.

સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર રવિવારે જાપાનના ઉપલા ગૃહની 248 બેઠકોમાંથી 125 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. હાલ સત્તારૂઢ ગઠબંધનને આ ગૃહમાં બહુમતી જાળવી રાખવા માટે, 125 બેઠકોમાંથી 50 બેઠકો પર જીત મેળવવી જરૂરી હતી, પરંતુ LDP ને 39 અને તેના સાથી પક્ષ કોમેઇટોને 8 બેઠકો પર જીત મળી, આમ આ ગઠબંધન 47 બેઠકો જીતી શક્યું, જે ગૃહમાં બહુમતીના આંકડાથી 3 બેઠકો ઓછી છે. 125માંથી 22 બેઠકો જીતીને કન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેટિક પાર્ટી (CDP) બીજા ક્રમે રહી, 17 બેઠકો જીતીને ડેમોક્રેટિક પાર્ટી ફોર ધ પીપલ (DPP) બીજા ક્રમે રહી, જ્યારે સાંશીતોને 14 બેઠકો મળી જીતી.

પદ છોડવા ઇશિબાપર દબાણ થશે:

આ પરિણામો જાહેર થયા બાદ શિગેરુ ઇશિબા જાપાનના વડા પ્રધાન રહી શકશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. કેમ કે ગઠબંધને ઉપલા ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે. શિગેરુ ઇશિબાએ જાહેર કર્યું કે હાલ વડાપ્રધાન પદ છોડવાનો તેમનો કોઈ ઇરાદો નથી. પરંતુ તેમની પાર્ટીની અંદરથી નેતૃત્વ બદલવા માંગ ઉઠી રહી છે.

ઇશિબાને પદ છોડવા માટે દબાણ કરવામાં આવી શકે છે, કેમ કે થોડા મહિના પહેલા સત્તારૂઢ ગઠબંધન સંસદના નીચલા ગૃહમાં લઘુમતીમાં આવી ગઈ હતી. નીચલા ગૃહમાં છેલ્લા 15 વર્ષમાં LDPની હાલ સૌથી ખરાબ સ્થિતિ છે. જોકે હાલમાં વિપક્ષ એકજુટ નથી, વિપક્ષી દળો સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવે તેવી કોઈ શક્યતા જણાઈ રહી નથી.

જો ઇશિબાના વહીવટીતંત્ર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવે તો રાજકીય સંકટ સર્જાઈ શકે છે. જો ગઠબંધન ઇશિબાને વડાપ્રધાન પદ છોડવાની ફરજ પાડે, તો LDPના નવા વડા કોણ બની શકે એ પણ સ્પષ્ટ નથી.

ચોખાને કારને LDPની આ સ્થિતિ થઇ?

લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) વર્ષ 1955 થી લગભગ સતત જાપાનની સત્તા પર રહી છે. પરંતુ દેશમાં વધી રહેલા ફુગાવાને કારણે લોકોમાં રોષની લાગણી છે.

જાપાનમાં ચોખા લોકોના રોજીંદા ખોરાકનો ભાગ છે.વર્ષ 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થતાં, જાપાનમાં ચોખાના ભાવ ઝડપથી વધ્યા છે, જેના કારણે સામાન્ય નાગરીકોના ઘરનું બજેટ વિખેરાઈ ગયું છે. આ ઉપરાંત પાર્ટી પર ફંડિંગ કૌભાંડ પણ આરોપ છે.

બીજી તરફ ઇશિબા વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કોઈ વેપાર કરાર ન કરી શકતા, જાપાન પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે, જેના કારણે પણ ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં પણ રોષ ફેલાયો છે.

આ પણ વાંચો…જાપાનમાં તાત્સુગોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button