આ દેશમાં જન્મદર વધારવા કર્મચારીઓને ચાર દિવસે મળશે વીકલી ઓફ!

ટોક્યો: વિકસિત દેશોની યાદીમાં સમાવેશ થતો દેશ જાપાન તેની ઘટી રહેલી વસ્તી અને વૃદ્ધાવસ્થાની વધતી જતી સંખ્યા સામે સંઘર્ષ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી જાપાનમાં બાળકોનો જન્મ દર સતત ઘટી રહ્યો છે અને આ સ્થિતિનો સામનો કરવા માટે જાપાન સરકારે એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ રજા આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ તેમના પારિવારિક જીવન અને કાર્ય જીવન વચ્ચે વધુ સારી રીતે સંતુલન બનાવી શકે.
સારકારે કરી જાહેરાત
ગવર્નર યુરીકો કોઈકે જાહેરાત કરી છે કે આગામી વર્ષથી કર્મચારીઓને સપ્તાહમાં ચાર દિવસ કામ કરવાનો વિકલ્પ મળશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જાપાનમાં પ્રજનન દરમાં સુધારો કરવાનો છે, કારણ કે બાળકના જન્મથી કામ કરતી મહિલાઓને કારકિર્દી છોડી દેવાની ફરજ પાડવામાં આવે છે. આ નવી યોજના હેઠળ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા લેવાનો અને તેમના પરિવારને વધુ સમય ફાળવવાનો વિકલ્પ મળશે.
Also read: જાપાનના વડા પ્રધાને કેમ રાજીનામું આપ્યું?
ચાર દિવસે વીકલી ઓફ
સરકારના જણાવ્યા અનુસાર, હવે અહીંના કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવામાં આવશે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે નાના બાળકો ધરાવતા કર્મચારીઓને તેમના કામના કલાકોમાં પણ છૂટછાટ આપવામાં આવશે. જો કે, તેમના પગારમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. આ યોજના એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. આ યોજના બાળક ઉછેરની જવાબદારીઓના બોજને ઘટાડવા માટે બનાવવામાં આવી છે.
શા માટે છે જરૂરી?
છેલ્લા કેટલાક વર્ષોથી જાપાનમાં પ્રજનન દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2022માં, જાપાનમાં જન્મ દર માત્ર 727,277 નોંધાયો હતો, જે દેશની કુલ વસ્તીની તુલનામાં ઘણો ઓછો છે. તેના મુખ્ય કારણમાં જાપાનનું ઓવરટાઇમ વર્ક કલ્ચરનો સમાવેશ થાય છે. જેમાં કર્મચારીઓને લાંબા કલાકો સુધી કામ કરવું પડે છે અને તેના કારણે તેમની પાસે તેમના પરિવારની સંભાળ લેવાનો સમય નથી.