ટ્રમ્પના ઝીરો ટેરિફના દાવા વચ્ચે વિદેશ પ્રધાન કરી નાખી આ સ્પષ્ટતા

વોશિંગ્ટન: અમેરિકાની મધ્યસ્થતા બાદ ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પરંતુ અમેરિકાની નીતી ‘મુખ મે રામ ઓર બગલ મે છૂરી’ જેવી લાગી રહી છે. કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં એપલના ઉત્પાદન પર પણ નારાજગી વ્યક્ત કરી, જ્યાં તેમણે કંપનીને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે કંપની ભારતમાં તેનું ઉત્પાદન કરે.
આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે અમેરિકન ઉત્પાદનો પર “શૂન્ય ટેરિફ” ઓફર કરી છે. ટ્રમ્પના દાવા અંગે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે બધી વાત નક્કી કરવામાં આવ્યા પછી નિર્ણય લેવામાં આવશે.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, ભારતે કરી ઝીરો ટેરિફ ડીલની ઓફર
વેપાર કરાર અંગે વિદેશ પ્રધાનની સ્પષ્ટતા
ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ વાટાઘાટો છે. જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી કંઈ પણ નક્કી નથી.
કોઈ પણ વેપાર સોદો પરસ્પર લાભદાયી હોવો જોઈએ અને બંને દેશો માટે અસરકારક હોવો જોઈએ. જ્યાં સુધી બંને દેશોને સમાન લાભ ન થાય ત્યાં સુધી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવશે નહીં.
આપણ વાંચો: અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર સમાપ્ત, ટેરિફ ઘટાડવા બંને દેશો સંમત
અગાઉ 26 ટકા ટેરિફની જાહેરાત થઈ હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારની રાજધાની દોહામાં એક નિવેદન આપતા કહ્યું હતું કે, ભારતમાં વસ્તુઓ વેચવી ખૂબ મુશ્કેલ છે અને તેઓ અમને શૂન્ય ટેરિફની ઓફર આપી રહ્યા છે.
ટ્રમ્પના આ નિવેદને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર કરારની જટિલતાને ઉજાગર કરી છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 26 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ બાદમાં 90 દિવસ માટે તેમાં રાહત આપી હતી, જેના કારણે ભારતીય ઉત્પાદનો પર હાલમાં 10 ટકા ટેરિફ લાગી રહ્યો છે.
આપણ વાંચો: ડ્રેગનને રાહતઃ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડીને આટલા ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો
એપલના સીઈઓને ભારતમાં ઉત્પાદન માટે રોક્યા
આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ભારતમાં એપલના વધતા ઉત્પાદન પર અસંતોષ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ભારતમાં તેમના ઉત્પાદન પ્લાન્ટનો વિસ્તાર ન કરે કારણ કે તેનાથી અમેરિકામાં નોકરીઓ પર અસર પડશે.
ટ્રમ્પે કહ્યું, “મેં ટિમ કૂકને કહ્યું હતું કે મને તમારી સાથે સમસ્યા છે, તમે ભારતમાં વિસ્તરણ કરવા જઈ રહ્યા છો. અમને નથી લાગતું કે તેની કોઈ જરૂર છે. અમે નથી ઇચ્છતા કે તમે ભારતમાં વિસ્તરણ કરો.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એપલના સીઈઓ ટિમ કૂકે તાજેતરમાં કહ્યું હતું કે “અમેરિકામાં વેચાતા 50 ટકા આઈફોન હવે ભારતમાં બનાવવામાં આવે છે.”
અમેરિકાને 60 ટકા ટેરિફ લાઇન સુધી શૂન્ય ટેરિફની ઓફર કરી
સમાચાર એજન્સીનાં અહેવાલ મુજબ ભારતે અમેરિકાને 60 ટકા ટેરિફ લાઇન સુધી શૂન્ય ટેરિફની ઓફર કરી હતી. આ ઓફરનો હેતુ અમેરિકાને ભારતમાં લગભગ 90% માલસામાન માટે પ્રિફરેન્શિયલ એક્સેસ આપવાનો છે, જેમાં ઓછા ટેરિફનો પણ સમાવેશ થાય છે. આનાથી અમેરિકા ભારતમાં પોતાના ઉત્પાદનોને સસ્તા દરે વેચી શકશે, જ્યાં હાલમાં ચીની ઉત્પાદનોનું વર્ચસ્વ છે.