‘ભારતનો કોઈ ફાયદો નથી’, PM મોદી અને ટ્રમ્પની મિત્રતા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
લખનઊઃ અમેરિકામાં સત્તા પરિવર્તન થયું છે અને આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ભવ્ય જીત મેળવીને બાજી મારી લીધી છે. રિપબ્લિકન નેતા ટ્રમ્પે પાંચ નવેમ્બરના રોજ હાથ ધરાયેલી મતગણતરીમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસને મોટા માર્જિનથી હરાવ્યા હતા. તેઓ અમેરિકાના 47મા પ્રમુખ બનવા જઇ રહ્યા છે. અમેરિકાના આ સત્તા પરિવર્તનનો પડઘો દુનિયાભરમાં પડી રહ્યો છે એમ ભારતમાં પણ પડી રહ્યો છે. જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ખાસ ખુશ દેખાતા નથી. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળથી ભારતને શું ફાયદો થયો, જે બીજા કાર્યકાળમાં થશે. તેમણે ભારતનું કોઇ ભલુ કર્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ભારતને ન તો ફાયદો થયો છે અને ન તો ફાયદો થશે.
એક મીડિયા મુલાકાતમાં શંકરાચાર્યએ કહ્યું હતું કે , ‘ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે એક ટર્મ પસાર કરી છે. તેમણે એ સમયે પણ ભારતના હિત માટે કંઇ કર્યું નહોતું અને હવે પણ તેઓ કંઇ નહીં કરે.
શંકરાચાર્યએ એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચેનો સંબંધ અલગ વાત છે. કોઈ વ્યક્તિનો અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોઈ શકે છે, કોઈ દેશનો અન્ય દેશ સાથે સંબંધ હોઈ શકે છે, પરંતુ ટ્રમ્પે તેમના છેલ્લા કાર્યકાળમાં ભારત માટે કોઈ નોંધપાત્ર યોગદાન આપ્યું નથી. ઉલ્ટું તેમણે ચૂંટણી સમયે જાહેરાત કરી હતી કે અમે એક કરોડ બહારના લોકોને હાંકી કાઢીશું. ભારતમાંથી પણ લોકો ત્યાં સ્થાયી થયા છે. એવા લાખો લોકોને પણ ભારત પાછા ફરવું પડશે. આમાં ભારતના લોકોનું શું ભલુ થવાનું?
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શેખ હસીનાએ પાઠવી શુભેચ્છા; કહ્યું આ ઐતિહાસિક જીત…
અમેરિકાની ચૂંટણીઃ-
વર્ષ 2016માં ટ્રમ્પે પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. તેમણે હિલેરી ક્લિન્ટનને હરાવ્યા હતા. જો કે, વર્ષ 2020માં તેમને જો બાઇડેનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ કેપિટોલ હિલ પર ઘણી હિંસા થઈ હતી. ટ્રમ્પે 2024ની ચૂંટણીમાં 277 ઈલેક્ટોરલ વોટ મેળવ્યા હતા. જ્યારે કમલા હેરિસને 224 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા.