ઇઝરાયેલે હિઝબુલ્લાહના ઠેકાણા પર કર્યો હુમલો, પત્તાના મહેલની માફક પડી બિલ્ડિંગ…

તેલ અવીવઃ લેબનાનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલ સતત કાર્યવાહી કરી રહ્યું છે. ઇઝરાયેલની સેના સતત હિઝબુલ્લાના ઠેકાણાને નિશાન બનાવી રહ્યું છે. સૈન્ય અભિયાન વચ્ચે ઇઝરાયેલની સેનાએ માત્ર 48 કલાકમાં દક્ષિણ લેબનાનમાં ત્રણ હિઝબુલ્લાહ કમાન્ડરો અને આશરે 70 લડવૈયાને ઠાર કર્યા છે. આ પહેલાં ઇઝરાયેલે આતંકવાદી સંગઠનના ઉત્તરાધિકારી નેતા હાશેમ સફીદીનને માર્યો હોવાની પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો : ઇઝરાયલે લેબનાન પર ફરી હુમલો કર્યો, રોકેટમારામાં 12 થી વધુ લોકોના મોત
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક નિવેદનમાં કહ્યું, દક્ષિણ લેબનાનમાં આઈડીએફ સૈનિક હિઝબુલ્લાહના આતંકવાદી ઠેકાણા પર કાર્યવાહી ચાલુ રાખશે. આ દરમિયાન લેબનાનમાં ઇઝરાયેલના હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ઇઝરાયેલાના હુમલામાં એક બિલ્ડિંગને પત્તાના મહેલની માફક પડતી જોઈ શકાય છે. જ્યારે તેની બાજુમાં રહેલી ઈમારતને કોઈ નુકસાન થતું નથી.
400 થી વધુ હિઝબુલ્લાના આતંકીને માર્યા હોવાનો ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સનો દાવો
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે દક્ષિણ લેબેનોનમાં ચાલી રહેલા ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 400થી વધુ હિઝબુલ્લાના આતંકીને માર્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં ઘણા પ્રાદેશિક કમાન્ડરો પણ સામેલ છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલાને લઈને મોટી માહિતી સામે આવી છે. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફીફે કહ્યું છે કે ગયા અઠવાડિયે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાનને નિશાન બનાવતા ડ્રોન હુમલા પાછળ તેમના જૂથનો હાથ હતો.
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અન્ય 57 લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલામાં દક્ષિણ બેરૂતની બહાર રફીક હરીરી યુનિવર્સિટી હોસ્પિટલની સામેની કેટલીક ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈઝરાયેલની સેનાએ વિગતો આપ્યા વિના કહ્યું કે તેણે હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો છે. સેનાએ હોસ્પિટલને નિશાન બનાવ્યું ન હતું.
આ પણ વાંચો : ઇરાન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું ઇઝરાયલ…
હિઝબુલ્લાહે પણ છોડ્યા રોકેટ
હિઝબુલ્લાહે પણ મધ્ય ઇઝરાયેલમાં અનેક રોકેટ ફાયર કરીને બદલો લીધો હતો. હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી કોઈ નુકસાન થયું નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકન ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂ કરવાના મિશન પર આ વિસ્તારમાં પહોંચ્યા તેના કલાકો પહેલાં આ હુમલો થયો હતો. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે લેબનોનથી ઈઝરાયેલમાં રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.