ઇઝરાયલનો દમાસ્કસ પર હુમલો: સિરિયા આર્મી હેડક્વાર્ટર ધ્વસ્ત, નવા યુદ્ધની આશંકા?

દમાસ્કસ: વર્ષ 2025માં વિશ્વના ઘણા કેટલાક દેશો વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે. ‘ઑપરેશન સિંદૂર’ને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું. પાછલા મહિને ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. જોકે, અમેરિકાના હસ્તક્ષેપને કારણે બંને વચ્ચે યુદ્ધવિરામ થયો હતો, પરંતુ હવે ઇઝરાયલ નવું યુદ્ધ શરૂ કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ઇઝરાયલે સિરિયાની રાજધાની દમાસ્કસ ખાતે મોટો વિસ્ફોટક હુમલો કર્યો છે.
સિરિયાના આર્મી હેડક્વાર્ટર ખાતે વિસ્ફોટ
આંતરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇઝરાયલે સિરિયાની રાજધાની દમાસ્ક્સ ખાતે આવેલા સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર પર 2 ડ્રોન અને બોમ્બનો ઉપયોગ કરીને વિસ્ફોટક હુમલો કર્યો હતો. જેથી દમાસ્કસના આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઇઝરાયલે હુમલાની પુષ્ટિ કરી છે અને આ હુમલાને ડ્રુઝ સમુદાય પર થયેલા હુમલાનો બદલો ગણાવ્યું છે.
સીરિયાઈ સેનાના જણાવ્યા અનુસાર દમાસ્કસના ઉમૈયાદ સ્ક્વેર નજીક ઇઝરાયલી ડ્રોને હુમલો કર્યો છે. હુમલાને કારણે સિરિયાને થયેલા નુકસાનનું હજુ સુધી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં બંને ઇમારતો નાશ પામી છે અને કેટલાક લોકો માર્યા ગયા છે.
ઇઝરાયલે બીજા યુદ્ધની કરી તૈયારી?
ઇઝરાયલના મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર, જ્યારે ઇઝરાયલે દમાસ્કસ પર હુમલો કર્યો ત્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેલ અવીવની કોર્ટમાં જુબાની આપવા માટે કોર્ટમાં ગયા હતા. જોકે, કોર્ટેના જજે તાત્કાલિક કોર્ટની કાર્યવાહી અટકાવી હતી અને નેતન્યાહૂ સાથે વોર રૂમમાં મીટિંગ માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ હુમલાથી ઇઝરાયલ-સિરિયા તણાવમાં વધારો થયો છે અને યુદ્ધની શક્યતા વધી ગઈ છે. ઇઝરાયલે છેલ્લા 2 વર્ષમાં યમન, ઈરાન, લેબનોન અને ગાઝામાં યુદ્ધો લડ્યા છે.