સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ઇઝરાયેલના રાજદૂત લાલઘૂમ, UN ચાર્ટરની કોપી ફાડી, પેલેસ્ટાઈન અંગેના પ્રસ્તાવનો કર્યો વિરોધ
યુનાઇટેડ નેશન્સ (UN)ની જનરલ એસેમ્બલીમાં ઇઝરાયેલના રાજદૂત, ગિલાડ એર્ડાન, પેલેસ્ટાઇનને વધુ અધિકારો આપવા માટે યોજાયેલા મતદાનનો વિરોધ કરતા એટલા ગુસ્સે થયા કે તેમણે યુએન ચાર્ટરની નકલ પણ ફાડી નાખી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમની રસપ્રદ બાબત એ છે કે આ કાગળ ફાડવા માટે તે પોતાની સાથે શ્રેડર લઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્સ (UN)ની જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટાઈનને સુરક્ષા પરિષદનો પૂર્ણ સભ્ય બનાવવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું. આ પ્રક્રિયા પહેલા જ ઈઝરાયેલના રાજદૂત પ્રસ્તાવનો વિરોધ કરવા ઉભા થયા હતા.
પેલેસ્ટાઈનના પ્રસ્તાવ અંગે ઈઝરાયેલના રાજદૂત એર્ડાને કહ્યું કે તેમણે વિરોધ દર્શાવવા માટે ચાર્ટરની નકલ ફાડી નાખી છે. એર્ડાને વધુમાં કહ્યું કે જનરલ એસેમ્બલી તેના પોતાના ચાર્ટરનું પાલન કરી રહી નથી. શ્રેડર વડે યુએન ચાર્ટર ફાડતી વખતે ઈઝરાયેલના રાજદૂતે કહ્યું કે તમે યુએન ચાર્ટરને તમારા પોતાના હાથે ફાડી રહ્યા છો, તમને આની શરમ આવવી જોઈએ.
આપણ વાંચો: Israel-Biden: “નેતન્યાહૂનું વલણ ઇઝરાયેલને નુકસાન પહોંચાડી રહ્યું છે”, જો બાઈડેનનું નિવેદન
પોતાના આક્રમક ભાષણ દરમિયાન એર્ડાને કહ્યું કે જે રીતે હિટલરે અત્યાચાર ગુજાર્યા હતા તે જ રીતે હવે અમારા સમયમાં પેલેસ્ટિનિયન આતંકવાદી રાજ્યની સ્થાપના કરવામાં આવી રહી છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટિનિયન રાજદૂત રિયાદ મન્સૂરે મતદાનને “ઐતિહાસિક” અને “મહત્વપૂર્ણ” ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં પેલેસ્ટાઈનને સંયુક્ત રાષ્ટ્રનું પૂર્ણ સભ્ય બનાવવાની માગણી કરતો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે હાલમાં પેલેસ્ટાઈનને નિરીક્ષકનો દરજ્જો છે. આ દરખાસ્ત પર બાદમાં મતદાન પણ થયું હતું.
આ મતદાનની રસપ્રદ વાત એ છે કે ભારતે પણ ઈઝરાયેલની વિરૂધ્ધ જઈ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે 25 દેશોએ આ વોટિંગમાં ભાગ લીધો ન હતો. ઈઝરાયેલ અને અમેરિકા સહિત કુલ 9 દેશોએ આ પ્રસ્તાવની વિરૂદ્ધમાં વોટિંગ કર્યું હતું. 193 દેશોની જનરલ એસેમ્બલીમાં 143 સભ્યોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. વિરોધમાં નવ મત પડ્યા હતા, જ્યારે 25 સભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.