ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ, સ્વાસ્થ્ય વિષે અટકળો

તેલ અવિવ: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ સતત બગડતી તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગઈ કાલે તેમની પ્રોસ્ટેટ સર્જરી કરવામાં આવી હતી, સર્જરી સફળ રહી છે. દરમિયાન, જ્યાં સુધી નેતન્યાહુ હોસ્પિટલમાં રહેશે, ત્યારે તેમના નજીકના સહયોગી યારીવ લેવિન કાર્યકારી વડા પ્રધાન તરીકે સેવા આપશે. યારીવ લેવિન તેમની સરકારમાં નાયબ વડા પ્રધાન અને ન્યાય પ્રધાન છે.
ઇઝરાયેલની સરકારી કચેરીના જણાવ્યા અનુસાર, બુધવારે નેતન્યાહુને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન હોવાની જાણ થઇ હતી. જે બાદ તેમની તબીબી સારવાર શરૂ કરવામાં આવી હતી.
સ્વાસ્થ્ય અંગે ચિંતા:
નેતન્યાહુએ તાજેતરના વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ઇઝરાયલી મીડિયા અનુસાર યુદ્ધને કારણે ઈઝરાયેલના વડાપ્રધાન ઘણા દિવસોથી પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહ્યા ન હતા.
તેના વકીલ અમિત હદ્દાદે સર્જરી પહેલા કોર્ટને જાણ કરી હતી કે તે ઓપરેશન માટે જઈ રહ્યા છે. તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડશે જેથી તેને જુબાની આપવા માટે ફરજ ન પાડવામાં આવે કોર્ટે તેને મંજૂરી આપી હતી.
અગાઉ પણ થઇ છે સર્જરી:
આ વર્ષની શરૂઆતમાં, માર્ચમાં, નેતન્યાહૂએ હર્નીયાની સર્જરી કરાવી હતી. આ દરમિયાન પણ ઈઝરાયેલના નાયબ વડા પ્રધાન અને ન્યાય પ્રધાન યારીવ લેવિને અસ્થાયી રૂપે વડા પ્રધાનનો ચાર્જ સંભાળ્યો હતો.
જુલાઈ 2023 માં, નેતન્યાહુને ડિહાઇડ્રેશન થઇ ગયું હતું, તેના એક અઠવાડિયા બાદ એરિથમિયાથી પીડાતા હોવાની જાણ થતા પેસમેકર લગાવવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નોબેલ વિજેતા Jimmy Carter નું 100 વર્ષની વયે નિધન
આ ઘટના બાદ ઈઝરાયલમાં ઘણા લોકોમાં વડાપ્રધાનના સ્વાસ્થ્યને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. જાન્યુઆરી 2024માં જાહેર કરાયેલા એક મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેતન્યાહુનું પેસમેકર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.