ઇઝરાયેલ પોલીસે ઓસ્કાર વિનર પેલેસ્ટિનિયન ડાયરેક્ટને મુક્ત કર્યા…

તેલ અવિવ: પેલેસ્ટિનિયન ડોક્યુમેન્ટરી ફિલ્મ “નો અધર લેન્ડ”(No other Land)એ ઓસ્કાર સમારોહમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ડોકયુમેન્ટરી ફિલ્મના કો-ડાયરેક્ટર હમદાન બલ્લાલની મંગળવારે ઇઝરાયલી પોલીસે ધરપકડ (Hamdan Ballal detained by Israel) કરી હતી. પથ્થર ફેંકવાના આરોપસર તેમની અટકાયત કરવામાં આવી હતી, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. હવે તેમને છોડી દેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ આ પથ્થરમારો ઇઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેંકના ઇઝરાયલી સેટલર્સે કર્યો હતો. નો અધર લેન્ડ ફિલ્મ ના અન્ય ડાયરેક્ટર બેસલ આદ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બલ્લાલની રિલીઝનો ફોટો પોસ્ટ કર્યો. આમાં બલ્લાલના શર્ટ પર લોહીના ડાઘ દેખાય છે.
“નો અધર લેન્ડ” ના ઈઝરાયેલી કો ડાયરેક્ટર યુવાલ અબ્રાહમે જણાવ્યું કે બલ્લાલને “માથા અને પેટમાં ઈજાઓ થઈ હતી અને લોહી વહેતું હતું”.
બલ્લાલે શું કહ્યું?
બલ્લાલે એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે “ઓસ્કાર જીત્યા પછી આવો હુમલો થશે એવી અપેક્ષા નહતી… મારી હત્યા કરવાના ઈરાદે આ હુમલો કરવામાં આવ્યો હતો. મારા પર ઇઝરાયલી સેટલર્સે હુમલો કર્યો હતો, મારા આખા શરીર પર માર મારવામાં આવ્યો અને હુમલાખોરો સાથે એક ઇઝરાયલી સૈનિક આ હુમલામાં સામેલ હતો.”
ઇઝરાયેલનો દાવો:
ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, વેસ્ટ બેંકના દક્ષિણ ભાગમાં આવેલા સુસિયા ગામમાં ઇઝરાયલીઓ અને પેલેસ્ટિનિયનો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન “પથ્થર ફેંકવા” બદલ સોમવારે ત્રણ પેલેસ્ટિનિયનોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Russia-Ukraine War: સાઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયા વચ્ચે વાટાઘાટો શરૂ
પોલીસ પ્રવક્તાએ પુષ્ટિ આપી કે બલ્લાલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જ્યારે પોલીસ પછીના નિવેદનમાં જણાવ્યું કે ત્રણેયને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે યુનાઇટેડ નેશન્સની ચેતવણી છતાં ઇઝરાયલ વર્ષ 1967 થી વેસ્ટ બેંકમાં ગેરકાયદે વસાહતો વસાવી રહ્યું છે. વેસ્ટ બેંકમાં લગભગ ૩૦ લાખ પેલેસ્ટિનિયનો તેમજ લગભગ 5 લાખ ઇઝરાયલીઓ રહે છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ આ ઈઝરાયેલી વસાહતો ગેરકાયદે વસાહતોમાં રહે છે.