ઇન્ટરનેશનલ

ગાઝા પર ગ્રાઉન્ડ એટેક પહેલા ઇઝરાયલી સૈનિકો બંદૂકો સાથે ડાન્સનો વીડિયો થયો વાઇરલ

ઇઝરાયલ- હમાસના સંઘર્ષનો હાલમાં તો કોઇ અંત દેખાતો નથી. ઇઝરાયલે પણ હમાસનો ખાત્મો બોલાવીને જ રહેવાનો મનસુબો કર્યો છે. ગાઝા પર ઈઝરાયલી સેનાનો ગમે ત્યારે હુમલો શરૂ થઈ શકે છે. આ દરમિયાન પેલેસ્ટિનિયન મીડિયાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ઈઝરાયલના સૈનિકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
પેલેસ્ટાઈન સમર્થક મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાઝા પર હુમલા પહેલા ઈઝરાયલના સૈનિકો પેલેસ્ટિનિયનોના મોતની ઉજવણી કરી રહ્યા છે અને જશ્ન મનાવી રહ્યા છે.

આ વીડિયોને લઈને પેલેસ્ટાઈન તરફી મીડિયાનો દાવો છે કે ઈઝરાયલની સેના ગાઝા બોર્ડર પાસે પોતાની આક્રમકતાની ઉજવણી કરવા માટે પાર્ટીઓનું આયોજન કરી રહી છે અને આ પાર્ટીમાં ઈઝરાયલી ગાયક ઓમર આદમ પેલેસ્ટિનિયન બાળકો અને મહિલાઓ સામે હિંસા ભડકાવવા માટે સૈનિકોને ઉશ્કેરે છે.

સમગ્ર ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં આર યા પારના ઓપરેશન માટે તૈયાર છે અને તેઓ માત્ર ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. ઈઝરાયલે હમાસ વિરુદ્ધ કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને આ માટે ગાઝા પટ્ટીને ચારે બાજુથી ઘેરી લીધી છે. સરહદ પર મોટી સંખ્યામાં ટેન્ક અને તોપો તૈનાત કરવામાં આવી છે.

આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ ગાઝા બોર્ડર પર પહોંચ્યા હતા અને પોતાના સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેન્ચે પણ યુદ્ઘ મોરચા પર પહોંચીને પોતાની સેનાનું મનોબળ વધાર્યું હતું અને કહ્યું હતું કે આ લડાઈ લાંબી અને મુશ્કેલ છે, પરંતુ આપણી જીત સાથે તેનો અંત આવશે. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ ઇઝરાયલી સૈનિકોને ગાઝા પટ્ટીમાં પ્રવેશવાના આદેશ આપવામાં આવશે.


નોંધનીય છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ હતી, પણ ત્યાર બાદ પેલેસ્ટાઇનની આતંકવાદી સંસ્થા હમાસે 20 મિનિટમાં ઈઝરાયલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા, જેને કારણે ઈઝરાયલ સરકારે યુદ્ધની જાહેરાત કરી હતી. 7 ઓક્ટોબરથી ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સેના અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 5000 લોકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં બંને તરફથી 13 હજાર લોકો ઘાયલ થયા છે.


લગભગ બે અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં સૌથી વધુ નુકસાન હમાસ અને પેલેસ્ટાઈનને થયું છે. અત્યાર સુધીમાં પેલેસ્ટાઈનના 3500 લોકો માર્યા ગયા છે જ્યારે હમાસના ઘણા ટોચના કમાન્ડર માર્યા ગયા છે. ઇઝરાયલના 1400 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button