ગાઝામાંથી નહીં હટો તો માનવામાં આવશે આતંકી
ઇઝરાયલે પેલેસ્ટાઇનના નાગરિકો માટે જારી કરી ચેતવણી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે રવિવારે 16માં દિવસે પણ લડાઇ ચાલુ છે. ઇઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કરી દીધા છે. હમાસના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. એવા સમયે સામાન્ય લોકોને બહુ નુક્સાન ના થય એટલા માટે ઇઝરાયલે પેલેસ્ટાઇનના લોકોને ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ ગાઝા તરફ જવા માટે ચેતવણી જારી કરી છે.
ઇઝરાયલી સેના તરફથી જારી કરવામાં આવેલી આ ચેતવણીમાં સાફ કહેવામાં આવ્યું છે કે જો કોઇ આમ નથી કરતું તો તેને આતંકવાદી હમાસનો મદદગાર સમજવામાં આવશે. ગાઝા પટ્ટીમાં રહતા લોકોના મોબાઇલમાં ઑડિયો મેસેજ સરક્યુલેટ કરવામાં આવ્યા છે. આ સંદેશામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ‘ગાઝાના ઉત્તર વિસ્તારમાં તમારી હાજરી જીવનને જોખમમાં મૂકી શકે છે. જો કોઈ ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ તરફ આગળ નહીં વધે તો તેને આતંકવાદી સંગઠનના સહયોગી તરીકે જોઈ શકાય છે.
નોંધનીય છે કે ગાઝાના એક ભાગને ઉત્તર ગાઝા અને બીજા ભાગને દક્ષિણ ગાઝા કહેવામાં આવે છે. ગાઝાનો વાડી નદી તરફનો ભાગ વાડી ગાઝા તરીકે ઓળખાય છે. ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે.
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેનો સામાન્ય અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો કોઇ ઇરાદો નથી, જેઓ આતંકવાદી જૂથ હમાસના સભ્ય નથી.
ઇઝરાયલે અગાઉ પેલેસ્ટિનિયનોને દક્ષિણ તરફ જવા માટે વિનંતી કરી હતી, જોકે, પેલેસ્ટિનિયનોએ જણાવ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું ન હતું કે જો તેઓ આમ નહીં કરે, તો તેઓ ‘આતંકવાદીઓના’ સમર્થક ગણાશે. હવાઈ હુમલા વચ્ચે હવે દક્ષિણ તરફ જવું વધુ જોખમી બની ગયું છે. ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ ગાઝા તરફગયેલા પેલેસ્ટિનિયનોનું કહેવું છે કે દક્ષિણ ગાઝા પર પણ ઇઝરાયલના હવાઇ હુમલા ચાલુ છે, જેમાં તેમના સંબંધીઓના મૃત્યુ થયા છે.
ઇઝરાયલના અંતરિયાળ વિસ્તારો પર રાતોરાત કરવામાં આવેલા હવાઈ હુમલામાં 50 થી વધુ પેલેસ્ટિનિયનોના પણ મોત થયા છે.