કતાર બાદ ઇઝરાયલના નિશાના પર આવ્યું યમન: પોર્ટ પર એટેકનું અલ્ટિમેટમ

જેરુસલેમ: છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ મીડલ-ઈસ્ટના દેશો સાથે યુદ્ધ કરવાના મૂડમાં છે. જૂન મહિનામાં ઇઝરાયલે ઈરાન સાથે 12 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. ઇઝરાયલે કતારની રાજધાની દોહા પર એર સ્ટ્રાઈક કરી હતી. મે મહિનાથી ઇઝરાયલ યમનની જુદી જુદી જગ્યાએ એર સ્ટ્રાઈક સહિતના હુમલાઓ કરી રહ્યું છે. હવે ઇઝરાયલે યમનના એક બંદર પર હુમલો કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. જ્યારે ખાલી કરવાની પણ તાકીદ કરી છે.
હોદેઇદાહ બંદરને ખાલી કરવાનો આદેશ
ઇઝરાયલે કતારમાં હમાસના નેતૃત્ત્વને નિશાનો બનાવીને હુમલો કર્યો હતો. હવે આ હુમલા બાદ ઇઝરાયલે યમન પર મોટો હુમલો કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. ઇઝરાયલની સેનાએ આજે જાહેરાત કરી છે કે, આગામી કેટલાક કલાકોમાં યમનના મુખ્ય બંદર પર હુમલો કરવામાં આવશે. આ જાહેરાતના સંદર્ભમાં યમનના લાલ સાગરના હોદેઇદાહ પોર્ટને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે પણ ઇઝરાયલે યમન પર એર સ્ટ્રાઈક કરી હતી. ઇઝરાયલની સેનાના જણાવ્યા પ્રમાણે યમનની સૈન્ય છાવણીઓ, હૂતીઓના જનસંપર્ક કાર્યાલયો અને એક ઇંધણ ભંડારને નિશાનો બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં 46 લોકોનું મૃત્યુ થયું હતું, જે પૈકી 26 લોકો મીડિયાકર્મીઓ હતા. આ સિવાય હુમલામાં મહિલાઓ અને બાળકો મળીને 165 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
ઉલ્લેખનીય છે કે 4 મે 2025 બાદ ઇઝરાયલ દ્વારા યમનની જુદી જુદી જગ્યાઓ પર એર સ્ટ્રાઈક સહિતના હુમલાઓ કરવામાં આવ્યા હતા. 28 ઓગસ્ટના રોજ યમનની રાજધાની સના ખાતે હૂતી આંદોલનના 10 વરિષ્ઠ અધિકારીઓ હૂતી નેતા અબ્દૂલ અલ-હૂતીનું રાષ્ટ્રીય સ્તરે પ્રસારિત ભાષણ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પર ઇઝરાયલની વાયુ સેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં તમામ હૂતી વડા પ્રધાન સહિત તમામ અધિકારીઓનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો…ઈરાન ઇઝરાયલ યુદ્ધથી વધતા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટની તમામ ફ્લાઇટ રદ કરી