ઇઝરાયલે ગાઝાની ઇજિપ્ત સાથેની એક માત્ર ક્રોસિંગની કબજો મેળવ્યો, સહાય પુરવઠો ઠપ્પ

ઇઝરાયલી સેનાએ ઉત્તર ગાઝાથી હુમલાની શરુઆત કર્યા બાદ, ગાઝામાં વસતા લોકો(Gazans)ને દક્ષિણ ભાગમાં ખસી જવા ચેતવણી આપી હતી, ત્યાર બાદ હવે ઇઝરાયલ(Israel) દક્ષિણ ગાઝા પર પણ હુમલો કરી રહ્યું છે. ગત રાત્રે ઇઝરાયલે રાફાહ પર હુમલો કર્યો હતો, જેમાં 20 જેટલા લોકોના મોત થયા હતા. ઇઝરાયેલની સેનાએ ગાઝા અને ઇજિપ્ત વચ્ચેની રફાહ ક્રોસિંગ(Rafah Crossing)ની ગાઝા બાજુનો કબજો મેળવી લીધો છે.
રફાહ ક્રોસિંગ એ ઇઝરાયલની જમીનથી ઘેરાયેલા ગાઝા અને ઇજિપ્ત વચ્ચેનો એકમાત્ર ક્રોસિંગ છે, આ ક્રોસિંગ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચડવા માટે એક માત્ર માર્ગ છે, જેના પર પણ હવે ઇઝરાયલે કબજો મેળવી લીધો છે અને સહાયનો પુરવઠો અટકાવી દીધો છે.
ઇઝરાયેલી સેનાએ પોસ્ટ કરેલા વિડીયોમાં ક્રોસિંગની ગાઝા બાજુ પર ઇઝરાયલી ધ્વજ લહેરાતો જોવા મળે છે. પેલેસ્ટિનિયનઅધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, રફાહ ક્રોસિંગ પરની તમામ હિલચાલ બંધ થઈ ગઈ છે. ગાઝા પટ્ટીમાં સહાય પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
રાફાહ ગાઝા અને ઇજિપ્ત વચ્ચેનું એકમાત્ર ક્રોસિંગ છે અને માનવતાવાદી સહાય માટે એન્ટ્રી પોઈન્ટ છે. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો કે રફાહ ક્રોસિંગનો ઉપયોગ આતંકવાદી પ્રવૃતિઓ માટે કરવામાં આવી રહ્યો હોવાની બાતમી મળ્યા બાદ તેને કબજો કરવામાં આવ્યો છે.
મંગળવારે દક્ષિણ ગાઝામાં હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાફાહ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં એક બાળક સહિત 20 લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયેલી સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે “અમે વિસ્તાર અને ક્રોસિંગ પર ઓપરેશનલ નિયંત્રણ કરી લીધું છે.” ઇઝરાયેલી સૈનિકો કેટલા સમય સુધી ક્રોસિંગ પર નિયંત્રિણ રાખશે એ અંગે અધિકારીએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એપ્રિલમાં ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુને કહ્યું હતું કે રફાહ પર આક્રમણ કરવું એ મોટી ભૂલ હશે. સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને ગયા અઠવાડિયે જેરુસલેમમાં નેતન્યાહુને કહ્યું હતું કે ત્યાં આશ્રય લઇ રહેલા 10 લાખથી વધુ નાગરિકોની સલામતીને ધ્યાનમાં લેતા કોઈ હુમલો ના થવો જોઈએ. જોકે ઇઝરાયલે અમેરિકાની આ ચેતવણીની અવગણના કરી હતી.