અલ શિફા હોસ્પિટલ પર ઇઝરાયલનો કબજો, બંદૂકની અણીએ બિમાર દર્દીઓને બહાર કાઢ્યા

40થી વધુ દિવસો સુધી યથાવત રહેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં કદાચ હવે સૌથી કરૂણ સ્થિતિનું નિર્માણ થયું છે. ઇઝરાયલે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા પર કબજો કરી લીધો છે, ઇઝરાયલના સૈનિકોના ડરથી તબીબો સહિત હોસ્પિટલ સ્ટાફ બિમાર દર્દીઓને છોડી જીવ બચાવવા ભાગી રહ્યા છે અને આ જગ્યા હવે હોસ્પિટલ મટીને જીવતું નર્ક બની ગયું છે.
ઇઝરાયલના કબજા બાદ અલ શિફા હોસ્પિટલમાં ભારે અફરાતફરીનો માહોલ છે. હોસ્પિટલમાંથી 31 પ્રિમેચ્યોર શિશુઓને બહાર કઢાયા છે. આ તમામ બાળકો ગંભીર હાલતમાં છે. સંયુક્ત રાષ્ટ્રોના જણાવ્યા મુજબ હાલ હોસ્પિટલમાં 200થી વધુ દર્દીઓ છે. જેમના માથે હવે મોત ઝળુંબી રહ્યું છે.
આ પહેલા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના કેટલાક અધિકારીઓએ અલ શિફા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલના સ્ટાફ, દર્દીઓએ પણ WHOના અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાની સુરક્ષા અને આરોગ્ય મામલે ચિંતિત હતા અને કોઇપણ ભોગ ત્યાંથી નિકળવા માંગતા હતા. આ દર્દીઓને દક્ષિણ ગાઝા તરફ ખસેડવામાં આવશે તેવી અધિકારીઓએ માહિતી આપી હતી.
બીજી તરફ કેટલાક દર્દીઓએ ઇઝરાયેલી સેનાના સૈનિકોએ બળજબરી પૂર્વક તેમને બહાર કાઢી મુક્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. એક દર્દીએ જણાવ્યું હતું કે તેઓ બંદૂકની અણીએ ત્યાંથી નીકળ્યા છે. હોસ્પિટલની અંદર અને બહાર ઇઝરાયલની સેનાએ મોટી સંખ્યામાં ટેંક અને સ્નાઈપર તૈનાત કર્યા છે. ઈઝરાયેલી સેનાએ ત્રણ લોકોને પકડ્યા પણ હતા.
ઇઝરાયલની સેનાએ આક્ષેપ કર્યો છે કે અલ શિફા હોસ્પિટલની અંદર હમાસના આંતકવાદીઓ છુપાયેલા છે. હોસ્પિટલની નીચે સુરંગ છે અને ત્યાંથી તેઓ પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે તેવી દલીલ કરી ઇઝરાયલે હોસ્પિટલમાં કબજો જમાવ્યો છે.