ઈઝરાયલનો પેલેસ્ટાઈન પર હુમલો: નવનાં મોત
અલ-ફારા રેફ્યુજી કેમ્પ (વેસ્ટ બેંક): ઇઝરાયલે બુધવારે પોતાના કબજા હેઠળના પશ્ર્ચિમી તટ (વેસ્ટ બેંક)માં મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી જ્યાં ઓછામાં ઓછા નવ પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને સંવેદનશીલ શહેર જેનિનને સીલ કરી દીધું એમ પેલેસ્ટિનિયન અધિકારીઓએ માહિતી આપી હતી.
હમાસના સાતમી ઑક્ટોબરના રોજ ગાઝામાંથી થયેલા હુમલા બાદ ત્યાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઇઝરાયલે વેસ્ટ બેંકમાં લગભગ દૈનિક ધોરણે કાર્યવાહી કરી છે.
ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નાદવ શોશાનીએ જણાવ્યું હતું કે સશસ્ત્ર દળો મોટા પ્રમાણમાં સંવેદનશીલ શહેર જેનિનમાં પ્રવેશ્યાં હતાં, જે લાંબા સમયથી આતંકવાદીઓનો ગઢ છે, તેમજ વેસ્ટ બેંકના ઉત્તરી વિસ્તારમાં આવેલા 1948થી સ્થપાયેલી તુલકારેમ અને અલ-ફરા શરણાર્થી શિબિરમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પિતા બર્થ સર્ટિફિકેટ બનાવડાવી રહ્યા હતા, અને ઇઝરાયલે જોડિયા બાળકોને મારી નાખ્યા, ગાઝાના પિતાની વેદના
તેમણે જણાવ્યું હતું કે મૃતકોમાં નવ મૃતકો તમામ આતંકવાદીઓ હતા, જેમાં તુલકારેમમાં થયેલા હવાઈ હુમલામાં માર્યા ગયેલા ત્રણ અને અલ-ફારામાં થયેલા હવાઈ હુમલામાં અન્ય ચારનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે અન્ય પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ઇઝરાયલી નાગરિકો પરના હુમલાઓને રોકવાના હેતુથી હાથ ધરવામાં આવી રહેલા વધુ મોટા ઓપરેશનનો પ્રથમ તબક્કો હતો.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથોએ કહ્યું કે તેઓ ઇઝરાયલી સૈન્ય સાથે યુદ્ધ લડી રહ્યા છે. જેનિનના ગવર્નર કમાલ અબુ અલ-રુબે પેલેસ્ટિનિયન રેડિયો પર જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ શહેરને ઘેરી લીધું છે, બહાર નીકળવા અને પ્રવેશનાં સ્થળો અને હોસ્પિટલોમાં પ્રવેશને અવરોધિત કરી દીધો છે અને કેમ્પમાં માળખાકીય સુવિધાઓને તોડી નાખી છે. (પીટીઆઈ)