ગાઝામાંથી ઇઝરાયલને પાછા હટવા UNOએ આપી ડેડલાઇન; ન આપ્યું આ દેશોએ સમર્થન…

ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયેલને ગાઝા છોડવા માટેની છેલ્લી તારીખ આપી દીધી છે. વાસ્તવમાં, આજે થયેલા એક મતદાન દ્વારા એ માંગ કરવામાં આવી છે કે ઇઝરાયેલ એક વર્ષની અંદર પેલેસ્ટાઇનના કબજા હેઠળના પ્રદેશમાંથી પીછેહઠ કરી દે. આ મતદાનમાં ઈઝરાયલ વિરુદ્ધ સ્પષ્ટ મત જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : ‘ઇઝરાયલ પેલેસ્ટાઇન પર ગેરકાયદે કબજો છોડે’ યુનાઈટેડ નેશન્સે ઠરાવ પસાર કર્યો
વોટિંગમાં ઇઝરાયલ વિરુદ્ધ 124 મત પડ્યા હતા, જ્યારે સમર્થનમાં 14 મત પડ્યા હતા અને 43 સદસ્યો મતદાનથી અળગા રહ્યા હતા. જો કે એવું મનાઈ રહ્યું છે કે આ મતદાન ઇઝરાયલ માટે એક પડકારનું ખડો કરશે. અને સાથે દેશની આંતરરાષ્ટ્રીય સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે.
આ ઠરાવે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનું સમર્થન કર્યું છે. આ ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટાઈનના પ્રદેશોમાં ઈઝરાયેલની ઉપસ્થિતિ ગેરકાયદેસર છે અને તેનો અંત આવવો જોઈએ. અદાલતે જુલાઈમાં ચુકાદો આપ્યો હતો કે ઇઝરાયેલ કબજે કરનાર સત્તા તરીકે તેની સ્થિતિનો દુરુપયોગ કરી રહ્યું છે. જો કે કોર્ટે ભારપૂર્વક હતું કે વેસ્ટ બેંક અને પૂર્વ જેરુસલેમમાં ગેરકાયદેસર ઇઝરાયેલ વસાહતો છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલ વિરુદ્ધના આ ઠરાવના સમર્થનમાં 124 મત પડ્યા હતા. જ્યારે ઈઝરાયેલના સમર્થનમાં 14 મતો પડ્યા હતા જેમાં અમેરિકા, ચેકિયા, હંગેરી, આર્જેન્ટિના અને ઘણા નાના પેસિફિક ટાપુ દેશો સામેલ છે. ફ્રાન્સ, ફિનલેન્ડ અને મેક્સિકો સહિત યુએસના કેટલાક સાથીઓએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે ભારત, યુનાઇટેડ કિંગડમ, યુક્રેન અને કેનેડા આ મતદાનથી અળગા રહ્યા હતા અને મતદાનમાં ભાગ ન લેવા બદલ આ દેશોને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.