ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્તિના આરે? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, હમાસ કરાર માટે સંમત | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્તિના આરે? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, હમાસ કરાર માટે સંમત

વોશિંગટન ડીસી: છેલ્લા 2 વર્ષથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે ગાઝા શહેરને ખંડેર બનાવવામાં કોઈ કસર છોડી નથી. એવા સમયે હવે આ યુદ્ધ સમાપ્ત થાય એવા સંકેતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, હમાસ ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે માની ગયું છે.

ડૉનાલ્ડ ટ્રમ્પે હમાસને આપ્યું હતું અલ્ટિમેટમ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આગળ આવ્યા છે. ટ્રમ્પે યુદ્ધ અટકાવવા માટે હમાસ સામે કેટલીક શરતોને આધીન એક કરારનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ કરારમાં 48 બંધકોને છોડવાની તથા હમાસને ગાઝાની સત્તા છોડવાનો અને પોતાનું નિઃશસ્ત્રીકરણ કરવું જેવી શરતોનો સમાવેશ થાય છે. ડૉનાલ્ડ ટ્રમ્પે હમાસને અલ્ટિમેટમ આપ્યું હતું કે, જો હમાસ રવિવાર સાંજ સુધીમાં આ કરાર સાથે સહમત નહીં થાય તો કડક પગલાં લેવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હમાસે ડૉનાલ્ડ ટ્રમ્પના કરારની મોટાભાગની શરતો માની લીધી છે. જેને લઈને ડૉનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને તાત્કાલિક ગાઝામાં હુમલાઓ બંધ કરવા કહ્યું છે. ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “અત્યારે હમાસ દ્વારા કરવામાં જાહેર કરવામાં આવેલા નિવેદનના આધારે, મારું માનવું છે કે, તે સ્થાયી શાંતિ માટે તૈયાર છે. ઇઝરાયલે ગાઝા પર બોંબમારો રોકી દેવો જોઈએ. જેથી બંધકોને સલામત રીતે જલદી બહાર લાવી શકાય. હમણા આવું કરવું ઘણુ ખતરનાક છે. અમે પહેલાથી જ આ બારીક પાસાઓની ચર્ચા કરી રહ્યા છીએ, જેના પર કામ કરવાનું છે. આ ફક્ત ગાઝાની વાત નથી. આ મીડલ ઈસ્ટમાં લાંબા સમયથી શાંતિ સ્થાપવાની ઈચ્છામાં કરવામાં આવેલા પ્રયાસોની વાત છે.”

ઇઝરાયલ ગાઝા પર હુમલા બંધ કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની અપીલને લઈને ઇઝરાયલે જણાવ્યું છે કે, તે ડૉનાલ્ડ ટ્રમ્પની ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાના પહેલા તબક્કાને લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પની શરતો પ્રમાણે ઇઝરાયલ ગાઝામાં પોતાના હુમલા અટકાવી દેશે અને ગાઝાના મોટાભાગના વિસ્તારમાંથી હટી જશે. સાથોસાથ તે સેંકડો ફિલિસ્તાની કેદીઓને પણ છોડી દેશે અને માનવીય મદદ અને પુન:નિર્માણની પરવાનગી આપશે.

આ ઉપરાંત ગાઝાની બહોળી વસ્તીને બીજા દેશોમાં સ્થળાંતર કરવાની યોજના રદ્દ કરવામાં આવશે. અંદાજીત 20 લાખ ફિલિસ્તાનીઓનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય શાસન હેઠળ લાવી દેવામાં આવશે. જેની દેખરેખ સ્વયં ડૉનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ બ્રિટીશ વડા પ્રધાન ટોની બ્લેયર રાખશે.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, ઇઝરાયલ હમાસ સંઘર્ષ શાંત કરવા કરારની નજીક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button