‘પેલેસ્ટાઇનને યુક્રેન સમજવાની ભૂલ નહીં કરતા…’
આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે અમેરિકનોને આપી ખુલ્લી ચેતવણી
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ પાંચમાં દિવસમાં પ્રવેશી ગયું છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ વિરુદ્ધ છેડેલા આ યુદ્ધમાં હવે તેને જોરદાર ફટકો પડી રહ્યો છે. ઇઝરાયેલની સેનાએ યુદ્ધમાં વળતો હુમલો કર્યો હતો જેમાં 900 થી વધુ લોકો માર્યા ગયા. લેબનોન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ આ યુદ્ધમાં ઉતર્યું છે.
હિઝબુલ્લાહે પહેલા ઈઝરાયેલ પર હુમલો કર્યો, હવે ઈઝરાયેલના સમર્થનમાં ઉભેલા અમેરિકાને સીધી ધમકી આપી છે. ઇઝરાયેલ હમાસ પર સતત પ્રહારો કરી રહ્યું છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના ઘણા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. જેમાં હમાસના હજારો આતંકીઓ પણ માર્યા ગયા છે. ઇઝરાયેલના દળો ગાઝા પટ્ટી પર પાણી, જમીન અને હવા દરેક જગ્યાએથી ઝડપી હુમલા કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી રહ્યાં છે. જ્યારથી હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે ત્યારથી લેબનોન સમર્થિત શિયા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ હમાસના સમર્થનમાં ઉભું છે.
હિઝબુલ્લાહે ઈઝરાયેલના કેટલાક વિસ્તારોમાં હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે. આ સાથે હવે તે ઈઝરાયેલના સમર્થકોને પણ ધમકી આપી રહ્યો છે. લેબનોન સમર્થિત શિયા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે હવે અમેરિકાને સીધી ધમકી આપી છે. ઈઝરાયેલને અમેરિકાના સમર્થન બાદ હિઝબુલ્લાએ કહ્યું કે જો અમેરિકા સીધું યુદ્ધમાં ઉતરશે તો તે મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કરશે. હમાસના સમર્થનમાં ઉભેલા હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠને અમેરિકાને સીધી ધમકી આપતા કહ્યું કે અમેરિકા પેલેસ્ટાઈનને યુક્રેન ગણવાની ભૂલ ના કરે.
હિઝબુલ્લાહ લેબનોન સમર્થિત શિયા આતંકવાદી જૂથ છે. આ સંગઠન 1975 થી 1990 વચ્ચે લેબનોનમાં ગૃહ યુદ્ધ દરમિયાન 1982માં અસ્તિત્વમાં આવ્યું હતું. આ આતંકવાદી સંગઠન ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હિઝબુલ્લાહની સ્થાપના ઈઝરાયેલની સેના સામે થઈ હતી.
હિઝબુલ્લાહ લેબનોનમાં રાજકીય રીતે પણ ખૂબ સક્રિય છે. આ સંગઠન પર અમેરિકા અને ઈઝરાયેલ સહિત ઘણા દેશોએ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંગઠનને લેબનોન ઉપરાંત શિયા મુસ્લિમોના દેશ ઈરાન દ્વારા સમર્થન અને ભંડોળ પૂરું પાડવામાં આવે છે.