ગાઝા પટ્ટી પર ઇઝરાયલને મળ્યો ભારતીય સેનાનો સાથ, અમેરિકાએ પણ કરી ઇઝરાયલને મદદ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલી સેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. તો બીજી તરફ હમાસને વધુ એક ખૂંખાર આતંકવાદી સંગઠનનો સાથ મળ્યો છે, અને તે છે લેબેનોનનું સંગઠન ‘હેઝબુલ્લાહ’. આમ દુશ્મન સેનાની તાકાત વધતા ઇઝરાયલને યુદ્ધભૂમિમાં બમણું જોર લગાવવું પડી રહ્યું છે. અને ઇઝરાયલની મદદ કરવા માટે ભારતીય સેનાના જવાનો ગાઝા પર તૈનાત થયા છે.
ભારતીય સેનાના જવાનો ઇઝરાયલની મદદ કરવા માટે પહોંચી ગયા છે અને ઇઝરાયલ અને લેબનોનની વચ્ચે દક્ષિણી સરહદ પર તેઓ કામ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ રક્ષક દળની સૈન્ય ટુકડીમાં ભારતના હજારો જવાનો છે. આ એક ખાસ પ્રકારની ટુકડી છે જેને ‘પીસ કિપીંગ ફોર્સ- શાંતિ રક્ષક દળ’ કહેવાય છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના હેઠળ સ્થપાયેલી સંસ્થા યુનાઇટેડ નેશન્સ-સંયુક્ત રાષ્ટ્રોનું આ ખાસ લશ્કર છે. જેમાં ભારત ઉપરાંત અનેક સભ્ય દેશોના સૈનિકો પણ સામેલ છે. આ ટુકડીમાં સામેલ ભારતીય જવાનો વિશ્વના કોઇપણ ખૂણે યુદ્ધ ચાલી રહ્યું હોય તો ત્યાં ફરજ બજાવવા માટે પહોંચી જાય છે. અગાઉ આ જવાનોએ સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં પણ શાંતિ સ્થાપવાની જવાબદારી નિભાવી હતી. જેના માટે સંયુક્ત રાષ્ટ્રોએ ટુકડીમાંથી 800થી વધુ ભારતીય જવાનોનું સન્માન પણ કર્યું હતું.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ ઇઝારાયલ દ્વારા યુદ્ધની કાર્યવાહી દરમિયાન એક લેબેનોનના પત્રકાર અને અન્ય લેબેનોનના નાગરિકોની હત્યા થઇ છે. જેને કારણે હેઝબુલ્લાહે ઇઝરાયલ પર હુમલાની જાહેરાત કરી છે. હેઝબુલ્લાહએ ઇઝરાયલના શટૌલામાં સેના પર રોકેટ છોડ્યા છે. તો બીજી બાજુ ઇઝરાયલે સમુદ્ર માર્ગથી હમાસને ઘેરવાનું શરૂ કર્યું છે. અમેરિકાના 2 યુદ્ધજહાજો ઇઝરાયલને મદદ કરવા માટે પહોંચ્યા છે. અમેરિકાના યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ અને આઇઝનહોવર યુદ્ધ જહાજોને ઇઝરાયલની સરહદ પાસે તૈનાત કરી દેવામાં આવ્યા છે.
પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝા પટ્ટીના 70 ટકા સ્થાનિકો આરોગ્ય સેવાઓથી વંચિત છે. હોસ્પિટલ જનારા રસ્તા બરબાદ થઇ ગયા છે. રસ્તા તૂટી જતા એમ્બ્યુલન્સને પણ ઘણી તકલીફો પડી રહી છે. ઇઝરાયલની સેના દ્વારા સતત બોમ્બમારાને કારણે ગાઝાની કોઇપણ દિશા હવે નાગરિકો માટે સુરક્ષિત નથી રહી. સ્થાનિકો તેમના પરિજનો પાસે જવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ વીજપુરવઠો ખોરવાતા તેઓ ફસાઇ ગયા છે. ગાઝા પટ્ટી એક યુદ્ધક્ષેત્રમાં ફેરવાઇ ગયું છે.
ઇઝરાયલ-હમાસ જંગ વચ્ચે અમેરિકા સોમવારે તેના નાગરિકોને રેસક્યુ કરશે. અમેરિકાના દૂતાવાસ દ્વારા આપેલી માહિતી મુજબ અમેરિકાએ તેના નાગરિકોને સોમવારે ઇઝરાયલથી સાઇપ્રસ લઇ જવા માટે જહાજની વ્યવસ્થા કરી છે. અમેરિકાએ એક એલર્ટ જાહેર કરતા કહ્યું હતું કે ઇઝરાયલના ગાઝા પટ્ટી પર આક્રમણ વધતા એક જહાજ અમેરિકાના નાગરિકો અને તેમના પરિવારના સભ્યોને લીગલ ડોક્યુમેન્ટ સાથે લઇને લિમાસોલના હાઇફાના ઇઝરાયલી બંદરગાહથી રવાના થશે. ઇઝરાયલમાં અમેરિકાના હજારો નાગરિકો રહે છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં અમેરિકાના 29 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે. જ્યારે અન્ય 15 લોકો લાપતા થયા છે. જેમાંથી કેટલાકને હમાસે બંધક બનાવ્યા હોવાની પણ માહિતી છે.