શાંતિ સમજૂતી પર પાણી ફેરવતું ઇઝરાયલ: ગાઝા હુમલામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત…

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધના વાતાવરણમાં શાંતિસમજૂતીની એક ઝાંખી આશા ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના પ્રસ્તાવથી જન્મી હતી, પરંતુ ઇઝરાયલના નિરંતર હુમલાઓએ આ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. ઇઝરાયલી હુમલામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત થયાં, જેમાં બે મહિનાના નવજાતથી લઈને આઠ વર્ષનાં બાળકનો સમાવેશ થાય છે. આ ઘટનાએ ફરી એકવાર ગાઝાની દુર્દશાને વિશ્વ સમક્ષ લાવી દીધી છે.
મીડિયા અહેવાલ મુજબ શનિવારે થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 45 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જોકે સ્થાનિક સૂત્રો 70થી વધુ મૃત્યુની વાત કરે છે. ગાઝા સિટીના તુફાહ વિસ્તારમાં એક રહેણાંક ઇમારત પર થયેલા હુમલામાં 18 લોકો માર્યા ગયા, જ્યારે દક્ષિણ ગાઝાના અલ-મવાસીમાં એક શરણાર્થી શિબિર પર હુમલામાં બે બાળકો સહિત અન્ય લોકોના મોત થયા. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઇઝરાયલની આક્રમક કાર્યવાહીએ ગાઝાની લગભગ 10 લાખની વસ્તીને ભારે અસર કરી છે, જેના કારણે મોટી સંખ્યામા લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે હમાસે યુદ્ધવિરામ માટેની કેટલીક શરતો માની લીધી હતી અને તેથી ઇઝરાયલે તાત્કાલિક બોમ્બમારો બંધ કરવો જોઈએ. ટ્રમ્પના જણાવ્યા મુજબ ઇઝરાયલે ગાઝામાંથી પોતાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી છે અને જો હમાસ બંધકોને ઝડપથી મુક્ત નહીં કરે તો ફરીથી હુમલા શરૂ થઈ શકે છે.
હમાસે બંધકોની અદલાબદલીમાં ઇઝરાયલ પાસે 2000 પેલેસ્ટિનિયનના કેદીઓને મુક્ત કરવાની માગણી કરી છે, જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને હથિયારો છોડવાની શરત મૂકી છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, બે વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં 67,000થી વધુ ફિલસ્તીનીઓનાં મોત થયા છે, જેમાં તાજેતરમા 700થી વધુ નામો ઉમેરાયા છે. ઇઝરાયલી સેનાએ ટ્રમ્પની યોજનાના પ્રથમ તબક્કાને અમલમાં મૂકવાની તૈયારી દર્શાવી છે, જેમાં તેઓ હવે રક્ષણાત્મક સ્થિતિમાં રહેશે અને આક્રમક હુમલા નહીં કરે. આ યોજના બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામની શરૂઆતનો રસ્તો ખોલી શકે છે, પરંતુ હાલના હુમલાઓએ શાંતિની આશાઓ પર પાણી ફેરવ્યું છે.
આ પણ વાંચો…યુક્રેનની પેસેન્જર ટ્રેન પર રશિયાએ કર્યો ડ્રોન હુમલો, 30થી વધારે લોકો ઘાયલ