ઇઝરાયલે યુદ્ધવિરામની વાતોનું કર્યું ખંડન, રફાહ બોર્ડર પર હજારો ગાઝા નાગરિકો પહોંચ્યા
ઉત્તર ગાઝા પટ્ટીના નાગરિકો દક્ષિણ તરફ જઇ રહ્યા છે. આમાંથી હજારો ગાઝાવાસી રફાહ સરહદ પાર કરીને ઇજિપ્તમાં પ્રવેશી શરણ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુદ્ધવિરામના અહેવાલો વચ્ચે ગાઝાના હજારો રહેવાસીઓ ઇજિપ્તમાં પ્રવેશવાની આશાએ રફાહ સરહદે પહોંચી ગયા છે, પરંતુ ઇઝરાયલે ગાઝા યુદ્ધવિરામના સમાચારને નકારી કાઢ્યા છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુના કાર્યાલયે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે તેલ અવીવ આ પ્રકારની કોઈપણ યુદ્ધવિરામ યોજના માટે સંમત છે તેવો સમાચાર એજન્સી એએફપીએ આજે અહેવાલ આપ્યો હતો. ઇઝરાયલ, અમેરિકા અને ઇજિપ્ત યુદ્ધવિરામ યોજના અંગે સંમત થયા હોવાના અહેવાલો પછી આ નિવેદન આવ્યું છે. આ અંતર્ગત ઈઝરાયલ તેના હુમલા બંધ કરશે અને ઈજીપ્ત ગાઝાના નાગરિકો માટે ભાગી જવા માટે સરહદ ખોલશે.
ગાઝાની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો તે એક સાંકડી પટ્ટી છે. ગાઝા પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર, પૂર્વ અને ઉત્તરમાં ઇઝરાયેલ અને દક્ષિણપશ્ચિમ દિશામાં ઇજિપ્તથી ઘેરાયેલું છે. ઈઝરાયલ આ સમગ્ર વિસ્તાર પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. ગાઝાથી બહાર નીકળવાના બે માર્ગો છે – ઈરેઝ ક્રોસિંગ અને ઈજિપ્ત સાથેની રફાહ સરહદ. ગાઝામાં કોઈ એરપોર્ટ નથી. ઇઝરાયલ તેની એરસ્પેસ અને પાણીને પણ નિયંત્રિત કરે છે.
ગત શનિવારે ઇઝરાયલ પર થયેલા હમાસના હુમલા કે જેમાં 1,300 લોકો માર્યા ગયા હતા, તે પછી ઇઝરાયલે હમાસના ગઢ ગાઝા પર ચારેયબાજુથી હુમલો શરૂ કરી દીધો છે. ગીચ વસ્તીવાળા પટ્ટામાં હવાઈ હુમલામાં લગભગ 2,670 લોકોએ જીવ ગુમાવ્યો છે. હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને છોડાવવા માટે ઈઝરાયેલ હવે જમીની હુમલા માટે તૈયાર છે.
ઇઝરાયલે ગાઝા શહેરના રહેવાસીઓને ગોળીબારથી બચવા ગાઝાની દક્ષિણ તરફ જવા કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રે તેની ટીકા કરી હતી. ઈઝરાયલે હવે ઉત્તરી ગાઝા સરહદ પર પોતાની સેના તૈનાત કરી છે અને ગમે ત્યારે હુમલો કરી શકે છે.