ઈઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેણાંક બિલ્ડીંગ પર એર સ્ટ્રાઈક કરી, 5ના મોત
ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરુ થયા બાદથી મધ્યપૂર્વમાં તાણવ સતત વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઈરાને ઈરાકમાં ઇઝરાયલની જાસુસી સંસ્થા મોસદના ઠેકાણાને નિશાન બનાવ્યું હતું, જેમાં મોસાદના અધિકારીઓના મોત થયાના અહેવાલ હતાં. એવામાં હવે ઇઝરાયલે સીરિયાના દમાસ્કસમાં રહેણાંક મકાન પર એર સ્ટ્રાઈક કરી હતી.
પ્રારંભિક અહેવાલો મુજબ 5 લોકો માર્યા ગયા છે. અહેવાલો મુજબ આ બિલ્ડીંગમાં ઈરાન સમર્થક નેતાઓ એકઠા થયા હતા, ત્યારે રોકેટ મારો થયો હતો.સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું, કે “ઇઝરાયલી મિસાઇલ સ્ટ્રાઇકમાં ચાર માળની ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. રોકેટે ઇરાન સાથે જોડાયેલા નેતાઓ જ્યાં મીટિંગ કરી રહ્યા હતા તે આખી ઇમારતને નષ્ટ કરી દીધી હતી.”
આ હુમલો આજે શનિવારે સીરિયાની રાજધાનીના પશ્ચિમમાં માઝેહ વિસ્તારમાં થયો હતો. હુમલો થયો એ વિસ્તારમાં લેબનીઝ અને ઈરાની દૂતાવાસો સહિત અનેક રાજદ્વારી મિશન આવેલા છે.
મીડિયા અહેવાલ અનુસાર હુમલાનું લક્ષ્ય ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ઇન્ટેલિજન્સ(IRGC) યુનિટ હતું, IRGC ઇન્ટેલિજન્સ અધિકારી અને તેના સહાયકો બિલ્ડિંગમાં હતા.
ગયા મહિને, દમાસ્કસના પાસે ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઈરાની અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડના લાંબા સમયથી સલાહકાર રહેલા ઈરાની જનરલ સૈયદ રઝી મૌસાવી માર્યા ગયા હતા.