ઇઝરાયલે ગાઝાના એક માત્ર કેથલિક ચર્ચ પર હુમલો કર્યો; ત્રણના મોત; નેતન્યાહૂએ માફી માંગી

નવી દિલ્હી: ઓક્ટોબર 2023થી ઇઝાયલી ડિફેન્સ ફોર્સિઝ(IDF) ગાઝામાં નરસંહાર કરી રહી છે, જેમાં લગભગ 59,000 પેલેસ્ટીનિયન નગરિકોના મોતની પુષ્ટિ થઇ છે, મૃતકોમાં 18,000 બાળકોનો સમાવેશ થાય છે. જયારે 2 લાખથી વધુ લોકો હજુ લાપતા છે, નાકાબંધીને કારણે હજારો લોકો ખોરાક અને દવાના અભાવે મૃત્યુ પામે તેવી શક્યતા છે. એવામાં ઇઝરાયલ ગાઝા પર સતત રોકેટમારો કરી રહ્યું છે. ગઈ કાલે ઈઝરાયેલે ગાઝામાં આવેલા એક માત્ર કેથોલિક ચર્ચ પર હુમલો કર્યો (Israel attack on Catholic Church in Gaza) હતો, જેમાં 3 લોકોના મોત થયા છે અને મુખ્ય પાદરી સહિત 10 લોકો ઘાયલ થયા છે.
ગાઝામાં શાળાઓ, હોસ્પિટલો અને આશ્રયસ્થાનો પર હુમલા બાદ હવે ચર્ચ જેવા ધામિક સ્થળો પણ સલામત નથી. કેથોલિક ચેરિટી કેરિટાસ ઇન્ટરનેશનલિસે જાહેર કરેલે એક નિવેદન મુજબ મૃતકોની ઓળખ હોલી ફેમિલી ચર્ચના 60 વર્ષીય ચોકીદાર સાદ સલામેહ; ચર્ચમાં માનસિક સહાય મેળવી રહેલી 84 વર્ષીય મહિલા ફુમૈયા અય્યદ અને તેની નજીક બેઠેલી 69 વર્ષીય નજવા અબુ દાઉદ તરીકે થઇ છે.
પોપ લીઓ XIV એ ઇઝારયલને વખોડ્યું:
પોપ લીઓ XIV એ હુમલા અંગે ઇઝરાયેલની કડક નિંદા કરી છે, તેમણે તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ કરવા અપીલ કરી છે. વેટિકન ન્યુઝના જણાવ્યા મુજબ આ હુમલાથી પોપ લીઓ આઘાતમાં છે.
નોંધનીય છે કે સ્વર્ગસ્થ પોપ ફ્રાન્સિસ ગાઝાનાં કેથલિક ચર્ચના ફાધર ગેબ્રિએલ રોમનેલીને દરરોજ ફોન કરીને સ્થિતિને જાણકારી મેળવતા હતાં અને ગાઝામાં લોકોની સલામતી માટે પ્રાર્થના કરતા હતાં. ઇઝરાયલનાં આ હુમલામાં ફાધર ગેબ્રિએલ ઘાયલ થયા છે, શેર કરવામાં આવેલા કેટલાક ફોટોઝમાં જોઈ શકાય છે કે તેઓ ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં સારવાર રહ્યા છે, તેના જમણા પગ પર પાટો બાંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ ચર્ચમાં બાળકો અને અપંગ-ઘાયલ લોકો સહીત સેંકડો પેલેસ્ટિનિયનો આશ્રય લઈ રહ્યા હતા. અહેવાલ મુજબ ઇઝરાયલએ આ લોકોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.
સ્વર્ગસ્થ પોપ ફ્રાન્સિસે હતી ગાઝાની ચિંતા:
સ્વર્ગસ્થ પોપ ફ્રાન્સિસે આ સંઘર્ષનો અંત લાવવા અનેક વાર અપીલ કરી હતી. ઇસ્ટર સન્ડે પરના તેમના છેલ્લા જાહેર સંબોધનમાં, તેમણે ગાઝામાં દુઃખદ માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પોપ લીઓ XIV પણ અગાઉ અનેક વાર ગાઝામાં યુદ્ધ વિરામની માંગ કરી ચુક્યા છે. હવે ઇઝરાયલે ચર્ચાને જ નિશાન બનાવતા કેથોલિક સમુદાયમાં રોષની લાગણી છે.
મેલોની અને ટ્રમ્પે હુમલાને વખોડ્યું:
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઇઝરાયલના હુમલાને વખોડી કાઢ્યો છે, તેમને જણાવ્યું, “ઇઝરાયલ મહિનાઓથી નાગરિકો સામે જે હુમલાઓ કરી રહ્યું છે તે અસ્વીકાર્ય છે. કોઈપણ લશ્કરી કાર્યવાહી એને યોગ્ય ઠેરવી શકે નહીં.”
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચર્ચ પર થયેલા આ હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ઇઝરાયલે માફી માંગી:
ઇઝરાયલે આ હુમલા અંગે માફી માંગી છે અને કહ્યું કે મમલાની તપાસ કરવામાં આવી રહી છે. ઇઝાયેલી ડિફેન્સ ફોર્સિઝએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેઓ ચર્ચમાં થયેલી જાનહાનિથી વાકેફ છે અને ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે. હુમલાને થયેલા નુકશાન બદલ IDFએ દિલગીરી વ્યક્ત કરી
આ હુમલા અંગે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, ‘ગાઝામાં હોલી ફેમિલી ચર્ચ પર એક શેલ પાડવાથી થયેલા નુકશાનને કારને ઇઝરાયલ ખૂબ જ દુઃખી છે. દરેક નિર્દોષનું મૃત્યુ એક મોટી ત્રાસદી છે.’
આ પણ વાંચો…ઇઝરાયલનો દમાસ્કસ પર હુમલો: સિરિયા આર્મી હેડક્વાર્ટર ધ્વસ્ત, નવા યુદ્ધની આશંકા?