ઇઝરાયલે આકાશ, જમીન અને સમુદ્ર માર્ગે ગાઝા પર ઘાતક હુમલાની જાહેરાત કરી
ઇઝરાયેલના ગાઝા પરના હુમલામાં 2000થી વધુ નિર્દોષ બાળકો સહીત 5000થી વધુ પેલેસ્ટીનિયન લોકોના મોત નીપજ્યા છે. હવે ઇઝરાયલે ગાઝા પર વધુ ઘાતક હુમલા કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયલની સેના જણાવ્યું હતું કે તેણે હમાસના બંદૂકધારીઓ સામે લડવા માટે ગાઝામાં રાતોરાત મર્યાદિત ભૂમિ પર આક્રમણ શરૂ કર્યું હતું, હવાઈ હુમલામાં વધારો કર્યો હતો.
ઈઝરાયેલના રક્ષા સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે ઈઝરાયલ ગાઝા પર વધુ ઘાતક હુમલા કરશે, તેમણે ગાઝા પર ગ્રાઉન્ડ એટેકની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ. આ એક ઘાતક હુમલો હશે, જમીન, સમુદ્ર અને આકાશ માર્ગે સંયુક્ત હુમલો કરવામાં આવશે. તેમણે ઇઝરાયલી સેનાની તૈયારીઓનો વિડીયો પણ શેર કર્યો હતો.
યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન સહીત કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુનાઇટેડ કિંગડમના નેતાઓએ “સ્વ-બચાવના અધિકાર” હેઠળ હમાસ સામે ઇઝરાયેલના હુમલાઓને સમર્થન આપતા સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.
આ દેશોનું સમર્થન એવા સમયે આવ્યું છે જ્યારે એ લગભગ નિશ્ચિત છે કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરશે. જો કે, આ નેતાઓએ યુદ્ધમાં નાગરિક જીવનનું રક્ષણ કરવાની અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.