ઇન્ટરનેશનલ

દક્ષિણ ગાઝાની હોસ્પિટલ પર ઇઝરાયલનો હુમલો, યુદ્ધવિરામને લઇને ઇજિપ્તે રજૂ કર્યો નવો પ્રસ્તાવ

ગાઝાઃ ગાઝામાં એક હોસ્પિટલ પર ઇઝરાયલે હવાઇ હુમલો કર્યો હતો. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલની સેનાએ રવિવારે રાત્રે દક્ષિણ ગાઝામાં સૌથી મોટી હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં બે લોકો માર્યા ગયા, અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો ખાન યુનિસ શહેરમાં નાસેર હોસ્પિટલ પર કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે ઇઝરાયલે ગાઝામાં હવાઈ હુમલાઓ સાથે યુદ્ધ ફરી શરૂ કર્યા પછી મોટી સંખ્યામાં મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

દરમિયાન ઇજિપ્તે ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામને લઇને એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઇજિપ્તના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાયની મંજૂરી આપવા અને એક અઠવાડિયાના યુદ્ધ વિરામના બદલામાં હમાસ એક અમેરિકન-ઇઝરાયલી સહિત પાંચ જીવંત બંધકોને મુક્ત કરશે. ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે.

આ પણ વાંચો: ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૮૫નાં મોત…

હમાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે આ પ્રસ્તાવનો “સકારાત્મક પ્રતિભાવ” આપ્યો છે, પરંતુ તેમણે વિગતવાર માહિતી આપી નથી. બંન્ને અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ જાણકારી આપી હતી. ગાઝા આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા 61 લોકોના મૃતદેહ હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોમાં એક 16 વર્ષનો છોકરો પણ સામેલ છે. બે દિવસ પહેલા તેમનું ઓપરેશન થયું હતું. હમાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હમાસના રાજકીય બ્યુરોના સભ્ય ઇસ્માઇલ બરહૂમનું પણ મોત થયું હતું. બરહૂમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હમાસ-અમેરિકાની ગુપ્ત બેઠક પર ઇઝરાયલનાં પેટમાં રેડાયું તેલ; અમેરિકાએ રોકડું પરખાવ્યું “અમે એજન્ટ નથી”…

ઇઝરાયલી સેનાએ હોસ્પિટલ પરના હુમલાની પુષ્ટી કરી અને કહ્યું કે આ હુમલો હમાસના એક એક્ટિવ આતંકવાદી વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ નાગરિકોના મૃત્યુ માટે હમાસને દોષિત ઠેરવે છે. તેમનું કહેવું છે કે હમાસના આતંકવાદીઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં રહીને કામ કરે છે જેના કારણે હુમલાઓમાં નાગરિકોના મોત થાય છે.

અગાઉ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં 50,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. દરમિયાન, રવિવારે દક્ષિણ ગાઝા પટ્ટીમાં રાત્રે ઇઝરાયલી હુમલાઓમાં હમાસના એક વરિષ્ઠ નેતા સહિત ઓછામાં ઓછા 26 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,13,000થી વધુ લોકો ઘાયલ થયા છે.

તેમણે કહ્યું કે યુદ્ધમાં માર્યા ગયેલા 50,021 લોકોમાં 673 લોકોનો સમાવેશ થાય છે જેઓ ગયા અઠવાડિયે યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી ઇઝરાયલ દ્વારા અચાનક કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ડૉ. મુનીર અલ-બોર્શે જણાવ્યું હતું કે મૃતકોમાં 15,613 બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી 872 બાળકો એક વર્ષથી ઓછી ઉંમરના હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button