
તેલ અવિવ: ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીઝ(IDF) છેલ્લા 20 મહિનાથી ગાઝામાં સતત હુમલા કરીને પેલેસ્ટિનિયન નાગરિકોનો નરસંહાર કરી (Genocide in Gaza) રહી છે, હજુ સુધી 60,000 પેલેસ્ટિનિયન નાગરિકોના મોતની પુષ્ટિ થઇ છે. એક અહેવાલ મુજબ ગાઝામાં મૃત્યુઆંક 3 લખથી વધુ હોઈ શકે છે. હવે ઇઝરાયલે ગાઝામાં ખોરાક, પાણી અને દાવાની કૃત્રિમ અછત ઉભી કરીને ‘ભૂખમારા’થી લોકોને મારવાની નીતિ અપનાવી છે. ઇઝરાયલે માનવતાવાદી સહાય રોકી દેતા ગાઝામાં દરરોજ બાળકો મારી રહ્યા છે. અંતરરાષ્ટ્રીય દબાણ બાદ ઇઝરાયલ હુમલા રોકવા તૈયાર થયું છે, પરંતુ ચોક્કસ વિસ્તારોમાં માત્ર દસ કલાક માટે જ.
નોંધનીય છે, ગાઝામાં કોઈ રીતે પહોંચતી માનવતાવાદી સહાય લેવા માટે પહોંચતા ભૂખ્યા લોકો પર પણ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીઝ ગોળીબાર કરી રહી છે અને લોકોને સહાય મેળવતા અટકવવામાં આવી રહ્યા છે. ભારત સહીત દુનિયાભરના દેશો એ ઇઝરાયલના આ વલણની ટીકા કરી હતી અને લોકો સુધી સહાય પહોંચતી કરવા માટે અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય દબાણ બાદ, IDFએ રવિવારે ગાઝાના કેટલાક ભાગોમાં મીલીટરી ઓપરેશન રોકવા અને નવા સહાય કોરિડોરની સ્થાપનાની જાહેરાત કરી છે.
એક નિવેદનમાં IDFએ જણાવ્યું કે તે અલ-માવાસી, દેઇર અલ-બલાહ અને ગાઝા સીટીમાં સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા (0700-1700 GMT) સુધી આગામી સૂચના સુધી ઓપરેશન બંધ કરશે, આ વિસ્તારોમાં માર્ચ પછીથી ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું નથી. IDFએ જણાવ્યું કે ખોરાક અને દવા પહોંચાડતા કાફલાઓ માટે નિયુક્ત સુરક્ષિત માર્ગો પણ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કાયમી ધોરણે કાર્યરત રહેશે.
ગાઝામાં સ્ત્રીઓ અને બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે:
ઇઝરાયલે માર્ચ મહિનાથી ગાઝામાં પહોંચતો તમામ પુરવઠો બંધ કર્યો હતો, પાંચ મહિનાથી ગાઝામાં સહાય પહોંચી શકી નથી. ગાઝામાં સહાય પહોંચાડવાના પ્રયાસો કરી રહેલી સંસ્થાઓએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ગાઝાના 22 લાખ લોકોને ભૂખ્યા રાખીને નરસંહાર કરવામાં આવી રહ્યો છે. ગાઝાથી શેર કરવામાં આવી રહેલી બાળકોની તસ્વીરો હૃદયદ્રાવક છે, બાળકોના શરીર લગભગ હાડપિંજર થઇ ગયા છે, ગર્ભવતી મહિલાઓને ખોરાક ન મળતા કસુવાવડના કેસ વધી રહ્યા છે. ગાઝામાં જન્મતા કરતા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા વધુ નોંધાઈ રહી છે.
ઇજિપ્તની સરકારી ન્યુઝ એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે સહાય સામગ્રી ઇજિપ્ત સરહદથી ગાઝા અંદર પહોંચવાનું શરુ થયું છે. કલાકો પહેલા ઇઝરાયલે સહાય સામાગ્રી એર ડ્રોપ કરવાનું શરુ કર્યું હતું.
ગુરુવારે, યુનાઈટેડ નેશન્સે કહ્યું હતું કે ઇઝરાયલ તેના કાફલા માટે પૂરતા રૂટ પૂરા પાડી રહ્યું નથી, જેના કારણે સહાય ગાઝામાં પહોંચી નથી રહી.
ગાઝામાં ઉભી થયેલી માનવતાવાદી ત્રાસદી વધુને વધુ ગંભીર બની રહી છે. શુક્રવારે ઇઝરાયલ અને અમેરિકાએ હમાસ સાથે યુદ્ધવિરામ કરવાની માનાઈ કરી હતી.
આ પણ વાંચો…ગાઝામાં ઇઝરાયલી હુમલો: સહાયની રાહ જોતા 73 પેલેસ્ટિનિયનોના મોત