ઈઝરાયલે હમાસ નેતા ઈસ્માઈલ હનીયાની હત્યાની જવાબદારી સ્વીકારી, હુથીઓને પણ આપી ચેતવણી

તેલ અવિવ: ઇઝરાયલના ગાઝા અને ત્યાર બાદ લેબનાન પર હુમલાને કારણે મધ્યપૂર્વના હાલ તણાવનો માહોલ છે, ઈરાન અને ઇઝરાયલે પણ એક બીજા દેશો પર રોકેટ મારો કર્યો હતો. એવામાં ઇઝરાયલે એક દાવો કર્યો છે, જેને કારણે ઈરાન વધુ છંછેડાઈ શકે છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે સોમવારે પહેલીવાર સ્વીકાર્યું હતું કે, ગત જુલાઇમાં ઇરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હનીયાની હત્યા ઇઝરાયલે જ કરી હતી.
ઇઝરાયલની ચેતવણી:
એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાત્ઝે કહ્યું કે અમે હુથીઓ પર પણ સખત હુમલો કરીશું. અમે તેમના નેતૃત્વનો નષ્ટ કરી દેશું, જેમ અમે તેહરાન, ગાઝા અને લેબનોનમાં હનીએયા, (યાહ્યા) સિનવર અને (હસન) નસરાલ્લાહ સાથે કર્યું હતું, અમે હોદેદા અને સનામાં પણ એવું જ કરીશું.
કાત્ઝે કહ્યું, ‘હાલ જ્યારે હુથી આતંકવાદી સંગઠન ઇઝરાયલ પર મિસાઇલો ચલાવી રહ્યું છે, ત્યારે હું સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે અમે હમાસને હરાવ્યું, અમે હિઝબુલ્લાહને હરાવ્યું, અમે ઇરાનની સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો અને અમે સીરિયામાં અસદના સાશનને ઉથલાવી દીધું, અમે યમનમાં હુથી આતંકવાદી સંગઠનને પણ મોટો ઝટકો આપીશું.”
ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે નિવેદનમાં વધુમાં કહ્યું કે, “જે કોઈ ઈઝરાયેલ સામે હાથ ઉપાડશે તેનો હાથ કાપી નાખવામાં આવશે.”
હુથી સંગઠનની કાર્યવાહી:
ઈરાન દ્વારા સમર્થિત હુથી સંગઠન યમનમાં સક્રિય છે. જે રેડ સીમાંથી પસાર થઇ રહેલા કોમર્શિયલ શિપને નિશાન બનાવી રહ્યું છે.
ઈરાનમાં હત્યા:
આ વર્ષે 31 જુલાઈના હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાના લગભગ 5 મહિના પછી, ઇઝરાયેલે હાનીયાની હત્યાની જવાબદારી લીધી છે. અગાઉ, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે હત્યાની જવાબદારી સ્વીકારી ન હતી. પરંતુ હમાસ અને ઈરાન સતત ઈઝરાયેલ પર આરોપ લગાવી રહ્યા હતા. હાનિયા બાદ હમાસના પ્રભારી યાહ્યા સિનવારને પણ ઈઝરાયેલે હત્યા કરી હતી.
તેહરાને યુએસ પર ઇઝરાયેલના ઓપરેશનને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે અને તેહરાન અને તેના સાથી, હમાસ અને હિઝબુલ્લાહની ધમકીઓ બાદ યુ.એસ અને નૌકાદળના યુદ્ધ જહાજોને તૈનાત કરવા પડ્યા.
આ પણ વાંચો અમેરિકાના કોલોરાડોમાં લિફ્ટમાં તિરાડ પડીઃ પાંચ કલાકની મહેનતે 174 લોકોને બચાવાયા
ગાઝામાં નરસંહાર:
ગાઝા તરફથી સોમવારે આપવામાં અહેવાલ મુજબ છેલ્લા 14 મહિનામાં ઇઝરાયલે ગાઝામાં 45,000 થી વધુ લોકોની હત્યા કરી છે, મૃતકોમાં મોટા ભાગે બાળકો અને મહિલાઓ સમાવેશ થાય છે. તાજેતરમાં જ ઈઝરાયેલે યુએનની સ્કૂલ અને હોસ્પિટલ પર રોકેટ મારો કરી નિર્દોષોના જીવ લીધા હતાં.