
વોશિંગ્ટન ડીસી: છેલ્લા કેટલાક મહિનાઓનો ઘટનાક્રમ જોતા એવું જણાઈ રહ્યું છે કે પાકિસ્તાનનો યુનાઈટેડ સ્ટેટ્સ સાથે ઘરોબો વધી (US-Pak Relation) રહ્યો છે. થોડા દિવસો પહેલા વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે લંચ કર્યું હતું. ગઈ કાલે શુક્રવારે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર યુએસની મુલાકાતે પહોંચ્યા (Ishak Dar in US) હતાં. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubuio) સાથેની બેઠક દરમિયાન ઇશાક ડારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન ‘યુદ્ધ વિરામ’ કરાવવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રુબીયોનો આભાર માન્યો.
નોંધનીય છે કે પહલગામ આંતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 7મી મેના રોજ પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું હતું, ત્યાર બાદ બંને દેશ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ શરુ થયો હતો, જોકે 10મી મેના રોજ બંને દેશ તાત્કાલિક યુદ્ધ વિરામ માટે તૈયાર થયા હતાં. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની મધ્યસ્થીને કારણે ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકવા માટે સહમત થયા હતાં, એવો પણ દાવો કર્યો કે તેમણે દુનિયાને પરમાણુ યુદ્ધથી બચાવી. જો કે ભારતે ટ્રમ્પના આ દાવા નકારી કાઢ્યા હતાં અને સ્પષ્ટપણે કહ્યું હતું કે બંને દેશોના ડાયરેક્ટ જનરલ ઓફ મીલીટરી ઓપરેશન (DGMO) વચ્ચેની વાતચીત દરમિયાન યુદ્ધ વિરામનો નિર્ણય કરવમાં આવ્યો હતો. છતાં ટ્રમ્પ અનેક પ્રસંગોએ યુદ્ધ વિરામનો શ્રેય ખાટવાનો પ્રયાસ કરી ચુક્યા છે.
ઇશાક ડારનું નિવેદન:
શુક્રવારે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના કાર્યાલયની મુલાકાત દરમિયાન ઇશાક ડારે ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્કો રુબિયોના ભરપુર વખાણ કર્યા હતાં. ભારત સાથે યુદ્ધવિરામને સરળ બનાવવા બદલ ડારે બંને ભૂમિકાને બિરદાવી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદન અનુસાર, ડારે ટ્રમ્પ અને રુબિયો દ્વારા યુદ્ધવિરામને સરળ બનાવીને પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ઓછો કરવા ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.
ડારનું આ નિવેદન સ્પષ્ટપણે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને સમર્થન આપે છે. બંને નેતાની મુલાકાત બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ એક નિવેદન જાહેર કર્યું છે, પરંતુ તેમાં ભારત સાથેના સંઘર્ષનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો છે.
ભારતની પ્રતિક્રિયા કેવી રહેશે?
ભારતે ટ્રમ્પના દાવાનું વારંવાર ખંડન કર્યું છે, છતાં પાકિસ્તાના વિદેશ પ્રધાને આવું નિવેદન આપતા ભારત સરકાર તરફથી વાંધો ઉઠવવામાં આવી શકે છે. ભારત સરકારે અનેકવાર સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાની DGMOએ ભારતીય DGMOને ફોન કરીને વિનંતી કર્યા પછી યુદ્ધવિરામ સમજૂતી થઇ હતી. હવે ભારત સરકાર ડારના નિવેદન અંગે શું પ્રતિક્રિયા આપે છે જોવાનું રહેશે.