ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસથી ડરી ગયા! ડિબેટ કરવાથી ઇનકાર કર્યો, જાણો રેસમાં કોણ આગળ
વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં આ વર્ષના અંતે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election)ને પહેલા રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. ખાસ કરીને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર હુમલા અને ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસ (Kamala Harris) ને ઉમેદાર બનાવ્યા પછી યુએસના રાજકારણમાં મોટા વળાંકો આવ્યા છે. એવામાં કમલા હેરિસ એવો દાવો કર્યો છે કે ટ્રમ્પ તેમની સાથે ડિબેટ કરવાથી દૂર ભાગી રહ્યા છે, ટ્રમ્પ ડરી ગયા છે. ત્યારે ટ્રમ્પે ડિબેટની શરતો અંગે સવાલ ઉઠાવ્યા છે.
ટ્રમ્પે ABC ન્યૂઝ નેટવર્ક પર 10 સપ્ટેમ્બરે યોજાનારી ડિબેટ અન્ય નેટવર્ક પર ખસેડવાનું સૂચન કર્યું હતું. તેણે ABCને “ફેક ન્યૂઝ” ગણાવ્યું છે. ગયા અઠવાડિયે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ એકવાર કમલા હેરિસ સાથે ડિબેટ કરશે. તેણે જવાબ આપ્યો કે હા, બિલકુલ, હું ડિબેટ કરવા માંગુ છું. પણ તેમણે ડિબેટની શરતો પર સવાલ ઉઠાવ્યા.
ટ્રમ્પ પર પ્રહાર કરતા કમલા હેરિસે જ્યોર્જિયાના એટલાન્ટામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે “ટ્રમ્પ ડિબેટ નહીં કરે, પરંતુ ખાતરીપૂર્વક લાગે છે કે તેમના સાથી (જેડી વેન્સ)ને મારા વિશે ઘણું કહેવાનું છે. તેમનો આ વર્તાવ જરા વિચિત્ર નથી લાગી રહ્યો? સારું, ડોનાલ્ડ, હું આશા રાખું છું કે તમે મને ચર્ચાના મંચ પર મળવાનું વિચારશો, જો તમારે કંઈક કહેવું હોય તો મારી સામે કહો.”
રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ અને અગાઉના સંભવિત ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન સાથે ડિબેટ કરવા તૈયારી બાતાવી હતી. પરંતુ, બાઈડેન રેસમાંથી બહાર થઈ ગયા અને કમલા હેરિસ ઉમેદવાર તરીકે સામે આવ્યા પછી, ટ્રમ્પે ડિબેટની મૂળ શરતો પર સવાલ ઉઠાવ્યા છે.
કમલા હેરિસે જણાવ્યું હતું કે મારા મેદાનમાં ઉતર્યા બાદ રેસની ગતિ બદલાઈ ગઈ છે. ટ્રમ્પ સપ્ટેમ્બરમાં આયોજીત ડિબેટમાંથી ખસી ગયા, અગાઉ જયારે બાઈડેન રેસમાં હતા ત્યારે તેઓ ડિબેટ માટે સંમત થયા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સ/સિએના કોલેજ નેશનલ પોલ દ્વારા ગત ગુરુવારના રોજ રીપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પને ફટકો પડી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે, અગાઉ ટ્રમ્પ મોટી લીડથી જીતશે એવી શક્યતાઓ વ્યક્ત કરવમાં આવી હતી પરંતુ હવેના રીપોર્ટમાં ટ્રમ્પની સંભવિત લીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
બાઈડેનના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ ઉચ્ચ ફુગાવો, મહત્વના ઔદ્યોગિક-નીતિ બિલો અને વિદેશમાં ઉથલપાથલને કારણે ટીકા હેઠળ રહ્યો. હવે આ અંગેના પ્રશ્નો કમલા હેરીસને પૂછવામાં આવશે. કમલા હેરીસ 59 વર્ષના છે, તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ બાઈડેન કરતા બે દાયકા નાના છે અને ટ્રમ્પ કરતાં 18 વર્ષ નાના છે.
કમલા હેરીસની છાપ સ્વચ્છ નેતા તરીકેની છે. જયારે ટ્રમ્પ નિરાશાજનક રેકોર્ડ ધરાવે છે. તેમના સમર્થકોએ 2020 માં તેમની ચૂંટણીની હારને ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો; જેના માટે તેઓ ફેડરલ આરોપોનો સામનો કરી રહ્યા છે અને તેમને 2016 ની રાષ્ટ્રપતિની કેમ્પેઈન સંબંધિત ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.
બાઈડેન સંભવિત ઉમેદવાર હતા એ સમયે ટ્રમ્પ જીત તરફ આગળ વધી રહ્યા હોય એવું જણાતું હતું, પરંતુ કમલા હેરીસની એન્ટ્રી બાદ પાસું પલટાયું છે, હવે કમલા હેરીસ ટ્રમ્પને મજબુત ટક્કર આપતા જણાઈ રહ્યા છે. આગામી સમયમાં બંને વચ્ચે ઉગ્ર ડિબેટ જોવા મળે તેવી શક્યતા.
Also Read –