‘ભારત જ ઇઝરાયલને રોકી મધ્યપૂર્વમાં શાતિ સ્થાપી શકે છે’, ઈરાની રાજદૂતનું મોટું નિવેદન
ઈરાને ઈઝરાયલ પર 200 મિસાઈલોથી ભારે હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે અને મોટા પાયે યુદ્ધનો ભય પણ મંડરાઈ રહ્યો છે. દરમિયાન, ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતના હસ્તક્ષેપની માંગ કરી છે. ઈરાની રાજદૂતે મધ્યપૂર્વની પરિસ્થિતિ પર એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, “ભારતે આ તકનો લાભ ઉઠાવીને ઈઝરાયલને તેની આક્રમકતા રોકવા અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે રાજી કરવું જોઈએ.” ઈરાનના રાજદૂતે કહ્યું હતું કે માત્ર ભારત જ તેમના દેશ અને ઈઝરાયલ વચ્ચેના તણાવને ઘટાડી શકે છે.
નોંધનીય છે કે ભારત બંને દેશો સાથે ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. આ કારણે જ ઈરાની રાજદ્વારીઓ ભારત સરકારને પશ્ચિમ એશિયા સંકટમાં સામેલ તમામ પક્ષો સાથે તણાવ ઘટાડવા અને મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલવા ભલામણ કરી રહ્યા છે. ઈઝરાયલની સેનાએ તેના ઉત્તરી પાડોશી લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ સામે સંઘર્ષમાં નવો મોરચો ખોલ્યા બાદ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.
| Also Read: ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીએ ઈઝરાયલને આપી દીધી ખુલ્લી ચેતવણી
એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં ઈરાની રાજદૂતે એમ પણ કહ્યું હતું કે, “ઈઝરાયલ રોકશે તો જ અમે પણ રોકાઈશું. ઈરાન યુદ્ધ નથી ઈચ્છતું. અમે આ ક્ષેત્રમાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ જો અમારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે, તો અમારી પાસે બદલો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી, અને અમે તે જ કર્યું છે. ઈઝરાયેલ પર મંગળવારે 01 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલા એ જવાબી કાર્યવાહીનો જ વ્યૂહાત્મક ભાગ હતો.”
તેમણે જણાવ્યું હતું કે, “હમાસના વડા ઈસ્માઈલ હનીયેહ તેમના દેશના મહેમાન હતા. ઈઝરાયલ દ્વારા અમારા દેશમાં તેમની હત્યા કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને અમારા બંધારણનું ઉલ્લંઘન છે.”
| Also Read: Israel Iran War: ઈરાનના સુપ્રીમો ખામેનીની અપીલ, ઇઝરાયેલ વિરુદ્ધ એકજુથ થાય મુસ્લિમ દેશો
નોંધનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ પીએમ મોદીને રશિયાને મનાવવા અને યુદ્ધવિરામ કરાવવા વિનંતી કરી હતી. આ પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કિવની મુલાકાતે ગયા હતા.