તો શું સુલેમાનીની હત્યાનો બદલો લેવા ઇરાને ટ્રમ્પ પર ગોળીબાર કરાવ્યો… ?
પેન્સિલવેનિયાના બટલરમાં ચૂંટણી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલામાં હવે ઈરાનનો એંગલ જાણવા મળ્યો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતુ હતું તેથી તેણે ટ્રમ્પ પર ઘાતક હુમલાની યોજના બનાવી હતી. મીડિયા અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓને તાજેતરના અઠવાડિયામાં ઈરાન પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર રચવાની ગુપ્ત માહિતી મળી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાને કારણે સિક્રેટ સર્વિસે ટ્રમ્પની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.
13 જુલાઈના રોજ પેન્સિલવેનિયા રેલી દરમિયાન ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનાર 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ ઈરાની કાવતરા સાથે જોડાયેલ હોવાના કોઈ સંકેત મળ્યા નથી. આ ફાયરિંગની ઘટનામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘાયલ થયા હતા. તેમના જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. રેલીમાં આવેલા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જો કે, ઈરાને તેના પરના આરોપોને નકારી કાઢ્યા છે અને તેને ખોટી અફવાઓ ગણાવી છે. ‘ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના દૃષ્ટિકોણથી ડોનાલ્ડ ટ્રમ્પ એક ગુનેગાર છે જેની સામે કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને જનરલ સુલેમાનીની હત્યાના આદેશ માટે સજા થવી જોઈએ. ઈરાને તેને ન્યાય અપાવવા માટે કાનૂની માર્ગ પસંદ કરશે,’ એમ ઇરાનના એક અધિકારીએ જણાવ્યું હતું.
જનરલ સુલેમાની 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઇરાકના બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લક્ષિત ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. બગદાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તે પોતાના સાથી મહદી અલ-મુહાંદિસ સાથે કારમાં જઈ રહ્યો હતો. ત્યારબાદ અમેરિકન MQ-9 રીપર ડ્રોને કારને નિશાન બનાવી હતી, જેમાં તેનું મોત થયું હતું. સુલેમાની પરના આ હુમલાને અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંજૂરી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જનરલ કાસિમ સુલેમાની પર અમેરિકન રાજદ્વારીઓ અને સૈન્ય કર્મચારીઓ પર ભયાનક હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.