ઓમાનના અખાતમાં ઈરાને તેલ ટેન્કર કબજે કર્યું, ભારતના 6 સહિત 18 ક્રૂ મેમ્બર હતા સવાર

મધ્ય પૂર્વના દરિયાઈ ક્ષેત્રમાં ફરી એકવાર ગતિવિધિઓ તેજ બની છે. ઈરાની સેનાએ ઓમાનની ખાડીમાં એક વિશાળ ઓઈલ ટેન્કરને પોતાના કબજામાં લીધું હોવાના સમાચાર મળી રહ્યા છે.
આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યાપી છે, કારણ કે આ જહાજ પર ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોના નાગરિકો સવાર છે. ઈરાને આ કાર્યવાહી પાછળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો હવાલો આપ્યો છે.
આપણ વાચો: Oman ના દરિયાકિનારે ઓઇલ ટેન્કર ડૂબ્યું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, હોર્મઝગાન પ્રાંતના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે જપ્ત કરાયેલા ટેન્કરમાં અંદાજે 60 લાખ લિટર ગેરકાયદેસર ડીઝલ લઈ જવામાં આવી રહ્યું હતું. આ જહાજ પર ભારતના 6 સહિત, શ્રીલંકા અને બાંગ્લાદેશના કુલ 18 ક્રૂ મેમ્બર્સ સવાર છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ઈરાની સેનાએ જહાજને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પકડાઈ જવાના ડરથી ટેન્કરના નેવિગેશન સિસ્ટમને પણ બંધ કરી દેવામાં આવી હતી.
ઈરાન વિશ્વમાં સૌથી સસ્તું બળતણ પૂરું પાડતા દેશોમાંનો એક છે, જેના કારણે અન્ય દેશોમાં ઈંધણની તસ્કરી (સ્મગલિંગ) મોટા પાયે થાય છે. ઈરાની સત્તાવાળાઓ વારંવાર આવા જહાજોને નિશાન બનાવે છે જેમના પર ગેરકાયદે કાર્ગો હોવાની શંકા હોય.
આપણ વાચો: તુણા ઓટીબી પાસે હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ: આગ લાગ્યા બાદ જહાજ એક તરફ નમી ગયું…
અગાઉ પણ નવેમ્બર મહિનામાં સિંગાપોર જઈ રહેલા એક જહાજને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ગેરકાયદે હેરફેરના આરોપસર કોર્ટના આદેશ બાદ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ ઘટના ત્યારે બની છે જ્યારે તેના બે દિવસ પહેલા જ અમેરિકાએ વેનેઝુએલાના તટ પરથી એક ટેન્કર જપ્ત કર્યું હતું. વોશિંગ્ટનનો દાવો હતો કે તે જહાજ ઈરાનના ક્રાંતિકારી ગાર્ડ કોર્પ્સ અને હિઝબુલ્લાહ સાથે જોડાયેલા પ્રતિબંધિત નેટવર્કનો ભાગ હતું.
નિષ્ણાતો માને છે કે દરિયાઈ માર્ગો પર ટેન્કરોને જપ્ત કરવાની આ સ્પર્ધા અમેરિકા અને ઈરાન વચ્ચેના વણસેલા સંબંધોનું પરિણામ છે, જેમાં વેપારી જહાજો રમતનું મેદાન બની રહ્યા છે.



