ઇન્ટરનેશનલ

ઈરાનમાં આંદોલનકારીઓને કર્યા એનિમી ઓફ ગોડ જાહેર: સરકારની ગોળીબારની ચીમકી

ઈસ્લામિક દેશ ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોને હવે બે અઠવાડિયા જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ સ્થિતિ થાળે પડવાના બદલે વધુ સ્ફોટક બની રહી છે. મોંઘવારી અને સરકારી નીતિઓથી કંટાળેલી જનતા રસ્તા પર ઉતરી આવી છે. સેના અને પોલીસની દમનકારી નીતિઓ છતાં દેખાવકારો પીછેહઠ કરવા તૈયાર નથી. આ આંદોલનને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે ઈરાન સરકાર વધુ આક્રમક બની છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સે પ્રદર્શનકારીઓ સામે મોરચો ખોલ્યો છે. ઈરાનના એટર્ની જનરલે આંદોલનકારીઓને ‘ખુદાના દુશ્મન’ (એનિમી ઓફ ગોડ) ગણાવ્યા છે. ઈરાની કાયદા મુજબ આ આરોપ સાબિત થાય તો સીધી જ ફાંસીની સજાની જોગવાઈ છે. સરકારી ટીવી પર ચેતવણી આપવામાં આવી છે કે માતા-પિતા પોતાના બાળકોને આ દેખાવોથી દૂર રાખે, અન્યથા ગોળી વાગવાની ઘટનામાં સરકાર જવાબદાર રહેશે નહીં.

સમગ્ર વિશ્વથી અલગ-થલગ કરી દેવા માટે ઈરાનમાં ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે. તેમ છતાં, માનવ અધિકાર સંસ્થાઓ અને વિદેશી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, આ હિંસક અથડામણોમાં અત્યાર સુધીમાં અંદાજે 70 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના લોકો ગોળીબારનો ભોગ બન્યા છે. બીજી તરફ, ઈરાની મીડિયાનું કહેવું છે કે પ્રદર્શનકારીઓના હુમલામાં અનેક સુરક્ષાકર્મીઓએ પણ જીવ ગુમાવ્યા છે.

ઈરાનની આ આંતરિક અશાંતિમાં હવે અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈરાનના લોકોની બહાદુરીને બિરદાવીને તેમને સમર્થન જાહેર કર્યંવ છે. અમેરિકી વિદેશ વિભાગે સ્પષ્ટ શબ્દોમાં ઈરાની સરકારને ચેતવણી આપી છે કે તેઓ પ્રમુખ ટ્રમ્પ સાથે રમત ન રમે. જો અમેરિકા કંઈક કરવાની વાત કરે છે, તો તે ચોક્કસપણે કરે જ છે. આ વિદેશી હસ્તક્ષેપને કારણે ખામેનેઈએ અમેરિકાને જ આ અસ્થિરતા માટે જવાબદાર ઠેરવ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button