ઈરાનમાં પ્રદર્શનો દરમિયાન 500નાં મોત અને 10 હજારથી વધુની ધરપકડ, ટ્રમ્પે ફરી ચેતવણી આપી…

તેહરાન: ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની સામે લોક જુવાળ ફાટી નીકળ્યો છે. વધતી જતી મોંઘવારી અને કથળતા અર્થતંત્ર સામે પાટનગર તહેરાનથી શરુ થયેલા વિરોધ પ્રદર્શનો દેશભરમાં ફેલાઈ ગયા છે. અનેક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. અહેવાલ મુજબ છેલ્લા બે અઠવાડિયામાં ઈરાનમાં 500થી વધુ લોકોના મોત થયા છે, જેમાં 490 પ્રદર્શનકારીઓ અને 48 સુરક્ષા કર્મચારીનો સમાવેશ થાય છે. 10,600 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ધમકી આપી હતી કે જો પ્રદર્શનકારીઓ પર ગોળીબાર થશે તો યુએસ ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરી શકે છે. રવિવારે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “કેટલાક લોકોને મારવા આવ્યા છે, જેમને મારવા જોઈતા ન હતા. ઈરાનના નેતા ફક્ત હિંસા દ્વારા શાસન કરે છે, પરંતુ અમે અને સૈન્ય ખૂબ જ ગંભીરતાથી નજર રાખી રહ્યા છીએ.”
આ પણ વાંચો……તો ઈરાન યુએસ અને ઈઝરાયલના સ્થળો હુમલા કરશે; ઈરાનનો ટ્રમ્પને જવાબ
ઈરાન સરકાર વાટાઘાટો માટે તૈયાર પણ…:
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસની ચેતવણી ઈરાન સરકાર વાટાઘાટો કરવા તૈયાર થઇ છે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું , “ઈરાનના નેતાઓએ ગઈકાલે ફોન કર્યો હતો. એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે…તેઓ વાટાઘાટો કરવા માંગે છે.”
આ સાથે ટ્રમ્પે એવું પણ કહ્યું કે, “અમને આ બેઠક પહેલાં પણ કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે.”

પ્રદર્શનકારીઓને વિશ્વભરના લોકોનું સમર્થન:
ઈરાનની બહાર પણ ઈરાનના ઇસ્લામિક શાસનનો વિરોધ થઇ રહ્યો છે. વિશ્વભરના લોકો પણ ઈરાનના નાગરીકોના સમર્થનમાં આવ્યા છે. લોકો ઈરાનમાંથી સરમુખત્યારશાહી હટાવીને લોકશાહી સ્થાપવામાંની માંગ કરી રહ્યા છે.
યુએસના લોસ એન્જલસમાં ઈરાનના પ્રદર્શનકારીઓના સમર્થનમાં નીકળેલી રેલીમાં એક ટ્રક ભીડમાં ઘુસી ગયો હતો, સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી.



