ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો: IAEAના વડાએ ગંભીર નુકસાનની આશંકા વ્યક્ત કરી | મુંબઈ સમાચાર

ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો: IAEAના વડાએ ગંભીર નુકસાનની આશંકા વ્યક્ત કરી

તહેરાન: ઈરાનના પરમાણુ ઠેકાણાને નષ્ટ કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલા ઈઝાયલ દ્વારા શરૂ કરવામાં આવેલું યુદ્ધ દિવસે દિવસે વકરી રહ્યું છે. આજે ફરી એક વખત ઈરાનના ફોર્ડો ખાતે આવેલા ભૂગર્ભ પરમાણુ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર ‘ઓપરેશન મિડનાઈટ હેમર’થી હુમલા કર્યા હતા. આ વિષે આંતરરાષ્ટ્રીય પરમાણુ નિરીક્ષણ સંસ્થાના વડાએ આશંકા વ્યક્ત કરી છે કે આ હુમલાથી ગંભીર નુકસાન થયું હોવાની શક્યતા છે. આ ઘટનાએ વૈશ્વિકસ્તરે ચિંતા વધારી છે.

ઈરાની મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ અદ્યતન બંકર-બસ્ટર બોમ્બ વડે ફોર્ડો પર હવાઈ હુમલો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના વડા રાફેલ મારિયાનો ગ્રોસીએ વિયેનામાં જણાવ્યું હતું કે આ હુમલાથી ફોર્ડોના ભૂગર્ભસ્થળને “સૌથી વધુ નુકસાન” થયું હોવાનું અનુમાન છે. તેમણે ઉમેર્યું કે હજુ સુધી નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાકન શક્ય નથી.

આ પણ વાંચો: અમેરિકાનો ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા બાદ ઈરાનનો દાવો, રેડિયેશન લીકેજના કોઇ સંકેત નહિ…

સંસ્થાએ ચેતવણી આપી કે વપરાયેલા વિસ્ફોટકો અને સેન્ટ્રીફ્યુજની સંવેદનશીલ પ્રકૃતિને કારણે નુકસાન ગંભીર હોઈ શકે છે. આ ઉપરાંત, ઈરાને દાવો કર્યો છે કે તેણે આજે સવારે ઈઝરાયલનું એક ડ્રોન નષ્ટ કર્યું. જ્યારે બીજી બાજુ ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે તેના 15 લડાકુ વિમાનોએ ઈરાનની પશ્ચિમી સરહદે મિસાઈલ લોન્ચર અને ભંડારો પર હુમલો કર્યો. આ વચ્ચે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેઓ ઈરાનના પરમાણુ અને મિસાઈલ જોખમોને દૂર કરવાના લક્ષ્યની નજીક છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમના હુમલાઓએ ઈરાનના ત્રણ પરમાણુ સંવર્ધન કેન્દ્રોને “સંપૂર્ણપણે નષ્ટ” કર્યા છે. જોકે, સેટેલાઈટ ચિત્રો આ દાવાની પુષ્ટિ કરી શક્યા નથી. કેટલાક પરમાણુ સ્થળોને નુકસાન થયું હોવાનું દેખાય છે, પરંતુ કેટલાક ભાગ હજુ સુરક્ષિત છે. ભૂગર્ભસ્થળો પર હુમલાની અસર અંગે હજુ અનિશ્ચિતતા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button