આફ્રિકામાં ઈન્ટરનેટ ખોરવાયું: સમુદ્ર હેઠળના કેબલની ખરાબી જવાબદાર

અબુજા (નાઈજિરિયા): આફ્રિકામાં એક ડઝન જેટલા દેશમાં ગુરુવારે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી, કેમ કે સમુદ્રની નીચેથી પસાર થનારા અનેક ટેલિકમ્યુનિકેશન કેબલમાં ખરાબી આવી હોવાનું નેટવર્ક ઓપરેટર અને ઈન્ટરનેટ વોચ ગ્રૂપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આફ્રિકાના સૌથી મોટા નેટવર્ક પ્રોવાઈડર એમટીએન ગ્રૂપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમુદ્રના પેટાળમાં પાથરવામાં આવેલા કેબલમાં ખરાબીને કારણે અત્યારે ઈન્ટરનેટનો વ્યવહાર ખોરવાયો છે. ઈન્ટરનેટના વપરાશકારોને વૈકલ્પિક નેટવર્ક પર વાળવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
બીજી તરફ આખી દુનિયામાં ઈન્ટરનેટના ખોરવાઈ જવા પર દસ્તાવેજી માહિતી આપનારા જૂથ નેટબ્લોક્સના ડિરેક્ટર રિસર્ચ ઈસિક મેટરે કહ્યું હતું કે આફ્રિકામાં કેબલને નુકસાન થવાને કારણે ઈન્ટરનેટ ખોરવાઈ જવાના બનાવો તાજેતરમાં બન્યા છે, પરંતુ આજની નિષ્ફળતા ઘણી મોટી અને અત્યંત ગંભીર પ્રકારની હતી.
જોકે, આ કેબલની ખરાબીનું કારણ તત્કાળ જાણી શકાયું નહોતું.
આઈવરી કોસ્ટ જેવા અત્યંત ગંભીર રીતે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈન્ટરનેટ ખોરવાઈ જવાને કારણે જીવનાવશ્યક સેવા પર અસર થવાની ગંભીર ચિંત વ્યક્ત થઈ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે આફ્રિકા મોબાઈલ ડિવાઈસમાં વેબ ટ્રાફિકમાં દુનિયામાં નંબર એક પર છે. દેશમાં ઘણી બધી સેવાઓ ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે. (એજન્સી)