પેન્સિલવેનિયાની રેલીમાં સાથે જોવા મળ્યા ટ્રમ્પ અને એલોન મસ્ક

અમેરિકામાં ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. એ માટે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પક્ષ લોકોને રિઝવવામાં લાગેલો છે. આ માટે શનિવાર, 5 ઑક્ટોબરના રોજ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પેન્સિલવેનિયામાં આયોજિત રેલીને સંબોધી હતી. આ એ જ સ્થળ છે જ્યાં ટૂંક સમય પહેલા તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ ફરી પાછા એ જ સ્થળે પ્રચાર કરવા આવ્યા હતા. તેમની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલોન મસ્ક પણ જોડાયા હતા.
બંનેનો એક ફોટો હાલમાં વાયરલ થઇ રહ્યો છે તેમાં મસ્ક હવામાં ઉછળીને હાથ પગ હલાવી રહ્યા છે. ટ્રમ્પ માઇક્રોફોનની સામે ઉભા છે. લોકોને આ બંનેની જોડી ઘણી પસંદ આવી રહી છે. એક્સ યુઝર કોલિન રગ્ગે કેપ્શન સાથે આ ફોટો શેર કર્યો છે કે, “એ ફોટો ફોર ધ હિસ્ટરી બુક્સ.” અર્થાત આ એવો ફોટો છે જે ઇતિહાસમાં સ્થાન મેળવશે.
A photo for the history books. pic.twitter.com/KbKZZvoa9Y
— Collin Rugg (@CollinRugg) October 5, 2024
ઘણા લોકોએ ફોટા પર કોમેન્ટ કરી છે, જેમાં એક યુઝરે લખ્યું હતું કે, “યાદ રાખવાનો દિવસ!” એક યુઝરે કહ્યું, “આ આઇકોનિક છે,” જ્યારે બીજાએ લખ્યું, “આપણા દેશ માટે સાચો પ્રેમ. લડાઈ! લડાઈ! લડાઈ! મત આપો! મત આપો! મત આપો!”
એક યુઝરે તો લખ્યું હતું કે, “આ ચૂંટણીએ અમને અમેરિકન ઐતિહાસિક ફોટાઓ આપ્યા છે,” એકે વળી લખ્યું હતું કે “ટ્રમ્પ અને એલોનની અણનમ ટીમનો આ કમાલ છે.”
જોકે, ડેમોક્રેટ્સના પ્રમુખપદના દાવેદાર કમલા હેરિસ તરફી કેટલાક લોકોએ મસ્કની તેના આવા વર્તન માટે મજાક પણ ઉડાવી હતી અને તેની વર્તણૂક તદ્દન બાલિશ ગણાવી હતી.
ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓએ ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પની પ્રશંસા કરી હતી અને જો બાઇડેન અને ડેમોક્રેટ્સો પર પ્રહારો કર્યા હતા. “તમે જાણો છો, કોઈ વ્યક્તિની સાચી કસોટી એ છે કે તે આગ સામે કેવી રીતે વર્તે છે. અને આપણી પાસે એક પ્રમુખ હતો જે ફ્લાઇટમાં સીડી પણ ચઢી શકતો ન હતો અને બીજો છે જે ગોળી વાગ્યા પછી પણ વિરોધી પર પ્રહારો કરતો હતો. ટ્રમ્પ બિન્દાસ છે. તેઓ કોઇથી ડરતા નથી, ” એમ મસ્કે કહ્યું હતું.
આ સભામાં મસ્કે અમેરિકનોને “મત આપવા માટે નોંધણી કરાવવાની વિનંતી કરી હતી અને અન્ય લોકોને પણ મત આપવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના બંધારણની રક્ષા માટે ટ્રમ્પે જીતવું જ જોઇએ. અમેરિકામાં લોકશાહી બચાવવા માટે તેમણે જીતવું જ પડશે.