પત્નીને કારણે મુશ્કેલીમાં મૂકાયા બ્રિટનના પીએમ, ઇમરાન ખાન જેવી કરી નાખી ભૂલ

લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર પર તેમની પત્ની વિક્ટોરિયાને મળેલી ભેટોને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે અને તેમના પર સંસદીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમની સામે તપાસની માંગ કરવામાં આવી રહી છે. બ્રિટિશ મીડિયા દ્વારા જણાવ્યા અનુસાર, લેબર પાર્ટીના મુખ્ય દાતા વાહીદ અલીએ પીએમની પત્ની માટે કપડાં અને અન્ય વસ્તુઓની શોપીંગ માટે ચૂકવણી કરી હોવાનું જાહેર કરવામાં નિષ્ફળ રહેવા બદલ વડાપ્રધાન સ્ટાર્મર તપાસનો સામનો કરી રહ્યા છે. એક બિઝનેસમેન અને લેબર પાર્ટીના દાતાએ પીએમની પત્ની વિક્ટોરિયા માટે મોંઘા કપડા ખરીદ્યા હતા, જેના વિશે પીએમ સ્ટાર્મરે માહિતી આપી ન હતી. વાહીદ અલી તરફથી વિક્ટોરિયા સ્ટાર્મરને આપવામાં આવેલી ભેટો પીએમ સ્ટાર્મર દ્વારા સાંસદોને ભેટ વિશે માહિતી આપતા રજિસ્ટરમાં નોંધવામાં આવી ન હતી.
બ્રિટનમાં એવો નિયમ છે કે સાંસદોએ 28 દિવસની અંદર ભેટ અને દાનની માહિતી આપવી જરૂરી છે. બ્રિટિશ સંસદના નિયમોની માર્ગદર્શિકા જણાવે છે કે બ્રિટિશ સાંસદોને કોઈ ત્રીજી પાર્ટી તરફથી આપવામાં આવતા કોઈપણ પ્રકારના લાભની નોંધ કરાવવી જરૂરી છે. આમ ન કરનાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
સંસદની વેબસાઇટ પર સૂચિબદ્ધ વડા પ્રધાનના રજિસ્ટર્ડ નાણાકીય હિતો દર્શાવે છે કે તેમને વાહીદ અલી તરફથી અસંખ્ય ભેટો મળી છે, જેમાં ચશ્મા, કપડાં અને રહેઠાણની કેટલીક સુવિધાઓ સામેલ છે. આ બધી ભેટ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમની પત્નીને આપવામાં આવેલી ભેટો વિશે માહિતી આપવામાં આવી ન હતી, જેની કિંમત 20,000 બ્રિટિશ પાઉન્ડ (રૂ. 22 લાખથી વધુ) કરતાં વધુ હોવાનું કહેવાય છે.
હવે વાહીદ અલી કોણ છે, જેણે ભેટો આપીને વડા પ્રધાનની ખુરશી હચમચાવી નાખી એ વિશે સવાલ થવો સ્વાભાવિક છે. તો જાણી લો કે વાહીદ અલી એક બ્રિટિશ મીડિયા ઉદ્યોગસાહસિક અને ઓનલાઈન ફેશન રિટેલર ASOSના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. આ વર્ષે ઓગસ્ટમાં, એવું બહાર આવ્યું હતું કે વાહીદ અલીને કોઈ ઔપચારિક સરકારી ભૂમિકા ન હોવા છતાં કામચલાઉ ડાઉનિંગ સ્ટ્રીટનો સુરક્ષા પાસ આપવામાં આવ્યો હતો. 1998માં ટોની બ્લેર દ્વારા વાહીદ અલીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ વાહીદ અલીએ લેબર પાર્ટી માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું.
જોકે, આ પહેલી વાર નથી કે આવા કિસ્સા બન્યા હોય જેમાં ઊંચા હોદ્દા પર રહેલા નેતાઓ પોતાના પરિજનોના નામે બારોબાર મોંઘી-મોંઘી ભેટ લેતા હોય. દુનિયાભરમાં આવા કિસ્સા બનતા રહે છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પણ તેમના પરિવારજનોના નામે બારોબાર મોંઘી-મોંઘી ભેટ લેવા બદલ ચર્ચામાં આવી ચૂક્યા છે.