ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ યુએન મહાસભામાં ઓમ શાંતિ ઓમ સાથે ભાષણનું સમાપન કર્યું

ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ન્યુયોર્કમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોનું ભાષણ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં વિશ્વના સૌથી મોટા મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ ભાષણનું સમાપન ઓમ શાંતિ ઓમ સાથે કર્યું હતું. આ ઉપરાંત તેમણે વિશ્વ શાંતિ માટે ગાઝામાં ઇન્ડોનેશિયાની સેના મોકલવાની પણ વાત કરી હતી.
"Om Shanti, Shanti Om," says Indonesia's President at the end of his UN General Assembly speech pic.twitter.com/xVNayRZtBS
— Shashank Mattoo (@MattooShashank) September 24, 2025
પ્રબોવો બોલ્યા ઓમ શાંતિ ઓમ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું ભાષણ “ઓમ શાંતિ શાંતિ શાંતિ ઓમ” સાથે સમાપ્ત કર્યું. તેમણે “નમો બુદ્ધાય” અને ” શાલોમ” પણ કહ્યું. તેમણે પોતાના 19 મિનિટના ભાષણમાં સંવાદિતાનો સંદેશ આપ્યો.
ગાઝામાં શાંતિ સુનિશ્ચિત કરવામાં સૈનિકો તૈનાત કરવા તૈયાર
યુએન એસેમ્બલીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાન તક માટે અપીલ કરી હી. તેમણે જણાવ્યું હતું કે ભય, જાતિવાદ, દ્વેષ, જુલમ અને રંગભેદથી પ્રેરિત કાર્યવાહી આપણા સામુહિક ભવિષ્ય માટે જોખમી છે. પ્રબોવોએ જણાવ્યું કે, ઇન્ડોનેશિયા ગાઝામાં શાંતિ સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે 20,000 સૈનિકો તૈનાત કરવા તૈયાર છે.
અમે સેવા આપવાનું ચાલુ રાખીશું
પ્રબોવો સુબિયાન્ટોએ જણાવ્યું કે આજે, ઇન્ડોનેશિયા યુએન શાંતિ રક્ષા દળમાં સૌથી મોટા યોગદાન આપનારાઓમાંનો એક છે. જ્યાં શાંતિને રક્ષકોની જરૂર હોય ત્યાં અમે સેવા આપવાનું ચાલુ રાખીશું. ફક્ત શબ્દોથી નહીં પરંતુ જમીન પર સૈનિકો સાથે મદદ કરીશું.
પેલેસ્ટાઇન અને ઇઝરાયલ આતંકવાદથી મુક્ત હોવા જોઈએ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ ઇઝરાયલ-પેલેસ્ટિનિયન ટુ સ્ટેટ થિયરી માટે અપીલ કરી. તેમણે કહ્યું કે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ બંને મુક્ત અને આતંકવાદથી મુક્ત હોવા જોઈએ. સુબિયાન્ટોએ કહ્યું તેમજ કોઈપણ રાજકીય સંઘર્ષનો જવાબ હિંસાથી આપી શકાતો નથી કારણ કે હિંસા વધુ હિંસા ફેલાવે છે.
ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે.
ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. ઇન્ડોનેશિયામાં 28 કરોડથી વધુ લોકોની વસ્તી છે. જેમાંથી 90 ટકા લોકો ઇસ્લામ ધર્મને અનુસરે છે.
આપણ વાંચો: ભારતે માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનને લતાડયુ, કહ્યું અર્થવ્યવસ્થા પર ધ્યાન આપે