ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના, મુસાફરો ભરેલા જહાજમાં આગ લાગી, અનેક લોકોને બચાવાયા…

ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, સમયસર બચાવ કાર્યના લીધે જહાજમાંથી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામા અનેક લોકો ગુમ થયાના પણ અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આ દુર્ઘટના ટેલિસ ટાપુ નજીક બની હતી.
યાત્રીઓએ દરિયામાં કુદવાની શરૂઆત કરી
આ દુર્ઘટના ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતના દરિયાકાંઠે બની છે. જેમાં કેએમ બાર્સેલોના વીએ લગભગ ૩૦૦ લોકોને લઈ જઈ રહ્યું હતું ત્યારે માનાડો નજીક આગ લાગી હતી. આ જહાજ તાલૌદ ટાપુઓથી માનાડો શહેર જઈ રહ્યું હતું
આ જહાજમાં ભીષણ આગ લાગતા ફસાયેલા અનેક યાત્રીઓએ દરિયામાં કુદવાની શરૂઆત કરી હતી. જેના લીધે અનેક લોકો દરિયામાં ગુમ થયા છે.
ગુમ થયેલા લોકોની શોધખોળ શરુ
જોકે, આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તેમજ હાલ બચાવ દળ દરિયામાં ગુમ થયેલા લોકોની શોધખોળ શરુ કરી છે.