ઇન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના જોરદાર આંચકા: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ઇન્ડોનેશિયાના પૂર્વીય પ્રદેશમાં શનિવારની રાત ભયના ઓથાર હેઠળ પસાર થઈ હતી. જ્યારે લોકો સુઈ રહ્યા હતા, ત્યારે કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું અને જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા પ્રબળ હતા કે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે અને આ વખતની ઘટનાએ ફરી એકવાર સ્થાનિકોની ચિંતામાં વધારો કર્યો છે.
રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.5 નોંધવામાં આવી હતી. શરૂઆતમાં તેની તીવ્રતા 6.7 હોવાનું અનુમાન હતું, પરંતુ બાદમાં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર માલુકુ પ્રાંતના ટોબેલો વિસ્તારથી આશરે 52 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. આ ઊંડાણને કારણે સદનસીબે જમીન પર મોટી તબાહી ટળી હતી, તેમ છતાં હલમાહેરા દ્વીપના ઉત્તરીય છેડા સુધી લોકોએ જોરદાર ધ્રુજારી અનુભવી હતી.
Magnitude 6.7 earthquake hit the Talaud Islands Indonesia felt strongly but causing no major damage, with a tsunami risk deemed low pic.twitter.com/YDJ8wbCAVu
— DisasterAlert (@DisasterAlert2) January 10, 2026
ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિએ ઇન્ડોનેશિયા પેસિફિક ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત છે. આ એક એવો પોઈન્ટ છે જ્યાં ધરતીની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટો સતત એકબીજા સાથે ટકરાતી હોય છે, જેને કારણે અહીં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહે છે. ટોબેલો એક નાનકડું તટીય શહેર છે જ્યાં લોકો માછીમારી અને ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. આ આંચકા અનુભવાતા જ લોકો ડરના માર્યા ખુલ્લા મેદાનોમાં દોડી આવ્યા હતા.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે આશ્વાસન આપતા જણાવ્યું છે કે આ ભૂકંપથી સુનામી આવવાનો કોઈ ખતરો નથી. અમેરિકન જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા ‘ગ્રીન એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે જાનહાનિ અથવા આર્થિક નુકસાનની શક્યતા ઘણી ઓછી છે. જોકે, આ વિસ્તારમાં રહેલા જૂના લાકડાના મકાનો અને નબળા બાંધકામોને કારણે તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે આવી રચનાઓ ભૂકંપ સમયે જોખમી સાબિત થઈ શકે છે.



