ઇન્ટરનેશનલ

190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાન અને તેની પત્ની વિરુદ્ધ આરોપનામું

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની અકાઉન્ટેબિલિટી કોર્ટે મંગળવારે જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 190 મિલિયન પાઉન્ડના અલ કાદિર ભ્રષ્ટાચારના કેસમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. ખાન પતિ-પત્નીએ આરોપો નકારી કાઢ્યા હતા અને હવે આ કેસની સુનાવણી છઠ્ઠી માર્ચે થશે.

ન્યાયમૂર્તિ નાસિર જાવેદ રાણાએ રાવલપિંડીની હાઈ સિક્યોરિટી અદિયાલા જેલમાં આ કેસની સુનાવણી હાથ ધરી હતી. પાકિસ્તાનની તહેરિક-ઈન્સાફ પાર્ટીના 72 વર્ષના સ્થાપકને અત્યારે અનેક કેસમાં આ જેલમાં રાખવામાં આવ્યા છે.
ન્યાયમૂર્તિએ કોર્ટરૂમમાં ઈમરાન ખાન અને બુશરાની હાજરીમાં તેમની સામેના આરોપો વાંચીને સંભળાવ્યા હતા.

નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી) દ્વારા ઈમરાન ખાન, તેની પત્ની અને અન્યો વિરુદ્ધ અલ કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટના નામ હેઠળ કથિત રીતે સેંકડો કનાલ જમીન હસ્તગત કરવામાં આવી હતી અને તેને કારણે સરકારી તિજોરીને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું.

કોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણી દરમિયાન કુલ 58 સાક્ષીઓનાં નિવેદન નોંધવામાં આવશે.
ન્યાયમૂર્તિઓએ આરોપનામું ઘડતાં ખાનને સવાલ કર્યો હતો કે તેઓ ગુનો કબૂલ કરે છે કે નહીં.

ઈમરાન ખાને કહ્યું હતું કે મારે આરોપનામું શા માટે વાંચવું જોઈએ જ્યારે મને ખબર જ છે કે તેમાં શું લખ્યું છે? ખાન પતિ-પત્નીએ તેમની સામેના આરોપો નકારી કાઢ્યા હતા.

આ કેસની આગામી સુનાવણી છઠ્ઠી માર્ચ સુધી મોકૂફ રાખવામાં આવી હતી અને કોર્ટે એનએબીના પાંચ સાક્ષીઓને સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

ઈમરાન ખાનની પત્ની બુશરાને તેમના ઈસ્લામાબાદમાં આવેલા બની ગાલા નિવાસસ્થાન ખાતે કારાવાસમાં રાખવામાં આવ્યા છે. અકાઉન્ટેબિલિટી કોર્ટે ખાન દંપતીને તોશાખાના ભ્રષ્ટાચારના કેસમાં 14 વર્ષના કારાવાસની સજા ફટકારી છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button