‘ભારત સરકારના નિર્ણયે લાખો લોકોના સામાન્ય જીવનને કઠિન બનાવ્યું’, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો

‘ભારત સરકારના નિર્ણયે લાખો લોકોના સામાન્ય જીવનને કઠિન બનાવ્યું’, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો

ભારતે કેનેડાને પોતાના 41 રાજદ્વારીઓ પરત બોલાવવાની ફરજ પાડતા બંને દેશોના સંબંધ વધુ બગડી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાને જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે ભારતના પગલાની ટીકા કરી હતી. જસ્ટિન ટ્રુડો કહ્યું હતું કે રાજદ્વારીઓને અંગે ભારતનો નિર્ણય વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે. તમામ દેશોએ આ અંગે ચિંતા કરવી જોઈએ.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત સરકારના કારણે ભારત અને કેનેડામાં લાખો લોકોના સામાન્ય જીવનને ગંભીર અસર થશે. રાજદ્વારીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. ભારત સરકારે એકપક્ષીય રીતે 40 કેનેડિયન રાજદ્વારીઓની પ્રતિરક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો, જે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે. આ આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું ઉલ્લંઘન છે. વિશ્વના તમામ દેશોએ આ અંગે ચિંતા કરવી જોઈએ. જોકે, ભારત સરકારે વિયેના કન્વેન્શનના ઉલ્લંઘનના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.

અગાઉ કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ પણ ભારતની કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવી હતી. જોલીએ કહ્યું હતું કે ભારતના નિર્ણયથી અમારા રાજદ્વારીઓ જોખમમાં મુકાઈ જાય એવી શક્યતા હતી. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. 21 રાજદ્વારીઓ હજુ પણ ભારતમાં છે. સ્ટાફની અછતને કારણે બેંગ્લોર, મુંબઈ અને ચંદીગઢમાં વિઝા સર્વિસ હાલ પુરતી બંધ કરવામાં આવી છે. હવે આ સેવાઓ ફરી ક્યારે શરૂ થશે તે અંગે કંઈ કહી શકાય નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 20 ઓક્ટોબર પછી 41 કેનેડિયન રાજદ્વારીઓની પ્રતિરક્ષા હટાવવાનો આદેશ જાહેર કર્યો હતો, જેનો કેનેડા વિરોધ કરી રહ્યું છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button