ભારતીયોને સરળતાથી મળશે UAEના ગોલ્ડન વિઝા! જાણી લો નવા નિયમો

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેના ગોલ્ડન વિઝા નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે, આ નિયમોમાં ફેરફાર કરવાથી ભારતીયો માટે ગોલ્ડન વિઝા મેળવવા સરળ બનશે. આ નવી નીતિ હેઠળ, મોંઘા રોકાણો વિના નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા મેળવી શકાશે. આ પગલું ભારત અને UAE વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવશે, જે ખાસ કરીને ભારતીય વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે લાભદાયી છે.
અગાઉ, ગોલ્ડન વિઝા મેળવવા માટે ભારતીયોને ઓછામાં ઓછું 4.66 કરોડ રૂપિયાની મિલકતમાં રોકાણ અથવા વ્યવસાયમાં રકમ રોકવી પડતી હતી. હવે, નવી નોમિનેશન-આધારિત યોજના હેઠળ, માત્ર 23.30 લાખ રૂપિયાની ફી ચૂકવીને આજીવન ગોલ્ડન વિઝા મેળવી શકાશે. આ યોજનાના પ્રથમ તબક્કામાં ભારત અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે, અને ત્રણ મહિનામાં 5,000થી વધુ ભારતીયો આ માટે અરજી કરે તેવી શક્યતા છે. Raed Group નામની કન્સલ્ટન્સી આ પ્રક્રિયાને સંચાલિત કરશે.
આ નવા વિઝા માટે અરજદારોની બેગ્રાઉન્ડ તપાસવામાં આવશે, જેમાં ગુનાહિત રેકોર્ડ, મની લોન્ડરિંગ વિરોધી તપાસ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલનું વિશ્લેષણ સામેલ છે. આ તપાસ દ્વારા અરજદારની UAEના બજાર, સંસ્કૃતિ, વેપાર કે વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં યોગદાન આપવાની ક્ષમતા ચકાસાશે. ગોલ્ડન વિઝાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અરજદારો દુબઈની મુલાકાત લીધા વિના ભારતમાંથી પ્રી-ક્લિયરન્સ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ગોલ્ડન વિઝાના ફાયદા અનેક છે. તે લાંબા ગાળાના રોકાણની મંજૂરી આપે છે, પરિવારને સાથે લઈ જવાની સુવિધા આપે છે, અને વ્યવસાય કે અભ્યાસ માટે સ્વતંત્રતા પૂરી પાડે છે. સૌથી મહત્વનું, વારંવાર વિઝા રિન્યુઅલની જરૂર નથી. આ યોજના ભારત-UAEના મજબૂત સંબંધોનું પ્રતીક છે, જે 2022ના CEPA કરાર બાદ વધુ મજબૂત થયા છે.
આ પણ વાંચો…અમેરિકાના વિઝા માટે અરજી કરતા પહેલાં વાંચી લો આ સમાચાર…