ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ભારતીયો સલામતી અંગે ચિંતા; દૂતાવાસે નાગરીકોને સલામત સ્થળે ખસેડ્યા…

તેહરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સમય સાથે વધુ ભીષણ બની (Israel-Iran War) રહ્યું છે, હાલ યુદ્ધ વિરામના પણ કોઈ સંકેત જણાઈ નથી રહ્યા. ગત રાત્રે ઈરાને કરેલા હુમલામાં ઇઝરાયલની ઘણી ઇમારતોને નુકશાન પહોંચ્યું છે, 5 ઇઝરાયલી નાગરીકોના મોત થયા છે. ઇઝરાયલે ઈરાન પર વળતો હુમલો કરવાની ધમકી આપી છે. એવામાં ઈરાનમાં રહેતા ભારતીય નાગરીકોનો સલામતી અંગે ચિંતા ઉભી થઇ (Indian Citizens in Iran) છે. અહેવાલ મુજબ તેહરાન સ્થિત ભારતીય દુતાવાસ જોખમી વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરીકોને સલામત સ્થળે ખસેડી રહ્યું છે.

ભારતીય દુતાવાસે વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે પુષ્ટિ કરી હતી કે તેહરાનનું ભારતીય દૂતાવાસ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે.

વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા:
વિદેશ મંત્રાલએ એક નિવેદનમાં જણાવ્યું કે, “તેહરાનમાં ભારતીય દૂતાવાસ સતત સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમની સાથે સંપર્કમાં છે. કેટલાક કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓને દૂતાવાસની ફેસિલિટીમાં ખસેડવામાં આવી રહ્યા છે.”જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ભારતીય દૂતાવાસ વેલફેર અને સલામતી અંગે સમુદાયના આગેવાનો સાથે પણ સંપર્કમાં છે.

એર સ્પેસ બંધ થતા મુશ્કેલી વધી:
યુદ્ધને કારણે ઈરાને પણ તેનું એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું, જેના કારણે દેશમાં અવરજવર માત્ર જમીન માર્ગે જ થઇ શકે એમ છે, માટે ભારતીય નાગરીકો દેશ લાવવામાં મુશ્કેલી પડી શકે છે. એક અહેવાલમાં સરકારી ડેટાને ટાંકીને જણાવવામાં આવ્યું કે, વર્ષ 2022માં ઈરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહેતા હતાં, જેમાં 2,000 થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જો કે હાલમાં ઈરાનમાં વસતા ભારતીયોની સંખ્યા જાણી શકાઈ નથી. ભારતે ઈરાન અને ઇઝરાયલ બંને સાથે રાજદ્વારી સંબંધો જાળવી રાખતા તણાવ ઓછો કરવાની અપીલ કરી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button