‘અમે વિડીયો કોલ પર વાત કરી રહ્યાં હતાં અને…’ હમાસના હુમલામાં ભારતીય મહિલાને ઇજા: પતિએ કહી આપવીતી
મુંબઇ: પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે તેની ચરમ સીમાએ પહોંચ્યુ છે. હમાસ આંતકવાદી હુમલાને કારણે અનેક વિદેશી નાગરીકોનું મૃત્યુ થયું છે. ત્યારે આ જ હુમલામાં એક ભારતીય કેર ટેકર મહિલા જખમી થઇ છે. હમાસ દ્વારા જ્યારે હુમલો થયો ત્યારે આ મહિલા તેના પતિ સાથે વિડીયો કોલ પર વાત કરી રહી હતી. શીજા આનંદ છેલ્લાં સાત વર્ષથી ઇઝરાયેલમાં રહે છે. હમાસ દ્વારા થયેલ હુમલામાં શીજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.
શનિવારે ઇઝરાયેલના દક્ષિણ વિભાગમાં આવેલ અશ્કલોનમાં હવાઇ હુમલા થયા. એ વખતે ભારતીય કેર ટેકર શીજા આનંદ નામની મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. 41 વર્ષની શીજા આનંદ છેલ્લાં સાત વર્ષથી ઇઝરાયેલમાં રહે છે. શનિવારે બપોરે જ્યારે હુમલો થયો ત્યારે તે તેના પતિ સાથે વિડીયો કોલ પર વાત કરી રહી હતી. તે જ સમયે ગોળીઓનો વરસાદ અને બોમ્બ ધડાકા શરુ થયા. અને આ જ હુમલામાં શીજાને પણ ઇજા થઇ.
શીજા આનંદના પતિએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ અમે વિડીયો કોલ પર વાત કરી રહ્યાં એ જ વખતે આ હુમલો થયો. તે મને કહી રહી હતી કે અહીં રોકેટથી હુમલા થઇ રહ્યાં છે. મેં એને સુરક્ષિત સ્થળે જતી રહે એમ કહ્યું હતું. પણ એટલામાં જ ફોન કટ થઇ ગયો. ત્યાર બાદ મને ખબર પડી કે શીજા જ્યાં હતી ત્યાં જ બોમ્બ વિસ્ફોટ થયો છે. મેં શીજાની પૂછપરછ કરવા તેના મિત્રોને ફોન કર્યો. તેમની પાસેથી જ મને શીજા જખમી થઇ છે એવી જાણકારી મળી. તથા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી છે તેવી જાણકારી પણ તેના મિત્રોએ જ આપી હતી.
શીજાના મણકામાં ઇજા થઇ છે. ઉપરાંત તેના પેટ, છાતી અને પગ પર પણ ઇજાઓ થઇ છે. તેનું એક ઓપરેશન પણ થયું છે. ત્યાર બાદ તેના એક મિત્રએ વિડીયો કોલ પર વાત પણ કરાવી હતી. તેને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામા આવનાર છે એમ શીજાના પતિએ કહ્યું હતું.