પેરિસ ઓલિમ્પિકના અંતિમ ક્વોલિફિકેશન માટે પસંદ કરાઇ ભારતીય ટીમઃ શ્રેયસી-મિરાજ સામેલ
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકને હવે ગણતરીના મહિનાઓ બાકી છે અને તમામ દેશોના ખેલાડીઓએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતની નજર પણ ઓલિમ્પિકમાં વધુ સારું પ્રદર્શન કરવા પર છે. પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન રાઉન્ડ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.
આ અંતર્ગત નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે 12 સભ્યોની શોટગન ટીમની જાહેરાત કરી છે. પેરિસ ઓલિમ્પિક માટેની અંતિમ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ 19 થી 29 એપ્રિલ દરમિયાન દોહામાં યોજાશે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રેયસી સિંહ, અનુભવી શૂટર મિરાજ અહમદ ખાન અને વર્લ્ડ કપ વિજેતા ગનેમત શેખને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
દોહામાં યોજાનારી અંતિમ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ચાર ઓલિમ્પિક ક્વોટા દાવ પર છે. પુરુષો અને મહિલાઓના ટ્રેપ અને સ્કીટ માટે એક-એક ક્વોટા હશે. ઓલિમ્પિક ક્વોટા પહેલાથી જ મેળવી ચૂકેલા શૂટરોને આ ટુર્નામેન્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
પૃથ્વીરાજ ટોડાઇમાન અને વિવાન કપૂર પુરૂષોની ટ્રેપ ટીમમાં સામેલ છે, જ્યારે શ્રેયસી અને મનીષા કેરને મહિલા ટ્રેપ ટીમમાં સ્થાન મળ્યું છે. મેન્સ સ્કીટ ટીમમાં મિરાજ અને શિરાઝ શેખ છે. આ ઉપરાંત મહિલા સ્કીટ ટીમમાં ગનેમત અને મહેશ્વરી ચૌહાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓલિમ્પિક શોટગન સંભવિતો માટે નવી દિલ્હીમાં ટેકનિકલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. દોહા જતા પહેલા ટ્રેપ અને સ્કીટ ટીમના શૂટર્સ પણ તૈયારીઓ માટે આ કેમ્પમાં જોડાશે.
આ વર્ષે જૂલાઈ-ઓગસ્ટમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે ભારતે અત્યાર સુધીમાં 19 ક્વોટા મેળવ્યા છે. શોટગન ટીમે મહત્તમ ચાર ઓલિમ્પિક હાંસલ કર્યા છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા હતા અને આ વખતે તે આ પ્રદર્શનને પાર કરવાનો પ્રયાસ કરશે.