ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકાથી થયો મોહ ભંગ, જાણો શું છે કારણ...
ઇન્ટરનેશનલ

ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકાથી થયો મોહ ભંગ, જાણો શું છે કારણ…

ન્યૂ યોર્કઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા નિયમો કડક કર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકાથી મોહ ભંગ થયો છે. અમેરિકા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 70 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા વિઝા અપોઇન્ટમેન્ટ સ્લોટ્સની ઉપલબ્ધતા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ અને વિઝા રિજેક્શનના દરમાં અચાનક આવેલો વધારો છે.

સૂત્રોએ જણાવ્યું કે, આ સમય સુધીમાં સામાન્ય રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના વિઝા ઇન્ટરવ્યુ પૂરા કરી ચૂક્યા હોય છે અને તેમની ફ્લાઇટની તૈયારીમાં લાગી જતા હોય છે. પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓ વિઝા અપોઇન્ટમેન્ટ સ્લોટ્સ મળવાની આશામાં અત્યાર સુધી માત્ર પોર્ટલ પર રિફ્રેશ જ કરી રહ્યા છે. આ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અમેરિકી અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે વિઝા સ્લોટ્સ તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવશે, પરંતુ અત્યાર સુધી આ મામલે ઘણો ભ્રમ યથાવત છે અને આ કારણથી વિદ્યાર્થીઓ પણ ખૂબ પરેશાન છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ શરૂઆતમાં જ વિઝા અપોઇન્ટમેન્ટ સ્લોટ બુક કરવામાં સફળ રહ્યા છે, તેમને પણ હજુ સુધી કન્ફર્મેશનનો જવાબ મળ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે, બુકિંગ કર્યા પછી પણ કોઈ પણ વિદ્યાર્થીને કન્ફર્મેશન મળ્યું નથી. આવી સ્થિતિમાં હવે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવાને બદલે બીજા દેશો તરફ વળી રહ્યા છે.

અમેરિકાના વિઝાને લઈને એક 23 વર્ષના ભારતીય વિદ્યાર્થીએ કહ્યું, હું હવે વધુ રાહ જોઈ શકતો નથી. મને લાગ્યું કે મારું એક વર્ષ બરબાદ થઈ જશે, તેથી મેં મારી અરજી પાછી ખેંચી લીધી. ઓટોમોટિવ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા માટે જર્મનીમાં વિકલ્પો શોધી રહ્યો છે. સૂત્રોએ કહ્યું, જો આગામી કેટલાક દિવસોમાં વિઝા સ્લોટ્સ બહાર નહીં પાડવામાં આવે, તો હજારો સપના તૂટી જશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button