ઇન્ટરનેશનલ

USમાં ગુજરાતી પરિવારના મોતના કેસમાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ

ન્યૂ યોર્કઃ અમેરિકાના શિકાગોમાં માનવ તસ્કરીની ઘટનાની તપાસના સંદર્ભમાં ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૨ની આ ઘટનામાં ગુજરાતના ચાર લોકોનો પરિવાર કેનેડાથી ગેરકાયદે રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીને કારણે મૃત્યુ પામ્યો હતો. મૃતકોમાં પરિવારના બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

ગયા અઠવાડિયાના મીડિયાના અહેવાલ મુજબ સત્તાવાળાઓએ હર્ષકુમાર રમણલાલ પટેલની શિકાગોના ઓ’હેર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી અને તેને ૨૮ ફેબ્રુઆરીએ કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
‘ડર્ટી હેરી’, ‘પરમ સિંહ’ અને ‘હરેશ રમેશલાલ પટેલ’ તરીકે ઓળખાતા પટેલ પર વિદેશી નાગરિકોની તસ્કરી અને ગેરકાયદેસર પ્રવેશના પ્રયાસના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં પટેલ વિરુદ્ધ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો, એફિડેવિટ અને ફોજદારી ફરિયાદ માનવ તસ્કરીના કાવતરામાં પટેલની સંડોવણીની વિગતવાર માહિતી પૂરી પાડે છે.

આ એફિડેવિટ ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ માનવ તસ્કરીની ઘટનામાં હાથ ધરવામાં આવેલી તપાસ સાથે સંબંધિત છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો- જગદીશ પટેલ (૩૯), વૈશાલીબેન પટેલ (૩૭), વિહાંગી પટેલ (૧૧) અને ધાર્મિક પટેલ (૩) મેનિટોબામાં ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ સ્થળ કેનેડા-યુએસ બોર્ડરથી માત્ર ૧૨ મીટર દૂર છે. મૃતદેહો મળી આવ્યા પછી બોર્ડર પેટ્રોલ અધિકારીઓએ ૧૯ જાન્યુઆરીએ ૪૭ વર્ષીય સ્ટીવ શેન્ડની અન્ય બે ભારતીય નાગરિકોને સરહદ પાર લઇ જવાના આરોપસર ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button