સાઉથ કોરિયાના બોગસ વિઝા રૅકેટમાં ભારતીય નૌકાદળના અધિકારીની ધરપકડ
મુંબઈ: મેડિકલ સર્ટિફિકેટ અને બૅન્ક સ્ટેટમેન્ટ્સ જેવા દસ્તાવેજો બનાવટી તૈયાર કરીને તેને આધારે ટુરિસ્ટ વિઝા પર લોકોને સાઉથ કોરિયા મોકલવાના રૅકેટમાં ક્રાઈમ બ્રાન્ચે ભારતીય નૌકાદળના અધિકારીની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ વિપિન કુમાર ડાગર (28) તરીકે થઈ હતી. પોલીસ આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા અન્ય પાંચની શોધ ચલાવી રહી છે. આ સિન્ડિકેટે અત્યાર સુધીમાં 10 લોકોને સાઉથ કોરિયામાં મોકલ્યા હતા અને દરેક પાસેથી 10-10 લાખ રૂપિયા લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો: આતંકવાદી બે પગા નહીં પણ ચો પગા હોય? આતતાયી માંકડને મારવા પરમાણુ બૉમ્બ ઝીંકવા દક્ષિણ કોરિયાના પ્રમુખને રાજુ રદ્દીનો અનુરોધ!
પોલીસ તપાસમાં જણાયું હતું કે આરોપી ડાગર નેવીના યુનિફોર્મમાં મુંબઈ સ્થિત કોરિયાની કોન્સ્યુલેટ જનરલની ઑફિસમાં પહોંચી જતો હતો. પોતાના યુનિફોર્મનો રૂઆબ પાડી ડાગર ઉમેદવારોની વિઝાની સ્થિતિનું ફોલો-અપ કરતો હતો.
ગયા મહિને એક ઉમેદવારના વિઝા નકારવામાં આવતાં ડાગરે કોન્સ્યુલેટ જનરલની ઑફિસમાં ધમાલ પણ મચાવી હતી. એ ઉમેદવાર જમ્મુ-કાશ્મીરનો વતની હતો અને તેણે બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું જણાયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
આ રૅકેટની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. કૌભાંડમાં ડાગર સક્રિય રીતે સંકળાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું. મુંબઈના વેસ્ટર્ન નેવલ કમાન્ડના હેડક્વાર્ટરના એન્જિનિયરિંગ સેક્શનમાંથી શુક્રવારે ડાગરને તાબામાં લેવાયો હતો. ધરપકડ કરાયેલા ડાગરને કોર્ટે પાંચમી જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.